રવિચંદ્રન અશ્વિન ભારત વિરુદ્ધ ઈંગ્લેન્ડ શ્રેણીની છેલ્લી મેચમાં ઈતિહાસ રચવા માટે તૈયાર છે. 7 માર્ચે, અનુભવી સ્પિનર ધર્મશાલામાં તેની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ રમશે. આ સાથે તે સચિન તેંડુલકર અને વિરાટ કોહલીની ક્લબમાં સામેલ થઈ જશે.
ભારત માટે 99 ટેસ્ટ મેચમાં 507 વિકેટ ઝડપનાર અશ્વિન પોતાની 100મી ટેસ્ટ મેચ રમનાર 14મો ભારતીય ખેલાડી હશે. ‘ક્રિકેટના ભગવાન’ સચિન તેંડુલકરે ભારત માટે સૌથી વધુ ટેસ્ટ મેચ રમી છે. તેણે 200 મેચમાં 15921 રન બનાવ્યા હતા.
અશ્વિને ઈંગ્લેન્ડ સામેની રાજકોટ ટેસ્ટમાં નવો રેકોર્ડ બનાવ્યો હતો. તે અનિલ કુંબલે પછી ભારત માટે 500 ટેસ્ટ વિકેટ લેનારો બીજો બોલર બન્યો. હવે તે પોતાની કારકિર્દીની 100મી મેચ રમીને નવો રેકોર્ડ બનાવશે. અશ્વિન પહેલા સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ, વીવીએસ લક્ષ્મણ, અનિલ કુંબલે, કપિલ દેવ, સુનીલ ગાવસ્કર, દિલીપ વેંગસરકર, સૌરવ ગાંગુલી, વિરાટ કોહલી, ઈશાંત શર્મા, હરભજન સિંહ, ચેતેશ્વર પૂજારા અને વીરેન્દ્ર સેહવાગ ભારત માટે 100 ટેસ્ટ મેચ રમી ચૂક્યા છે.
રાંચી ટેસ્ટમાં અશ્વિન ભારતની ધરતી પર સૌથી વધુ વિકેટ લેનારો બોલર બન્યો હતો. અશ્વિને આ મામલે પૂર્વ કેપ્ટન અનિલ કુંબલેને પાછળ છોડી દીધા છે. કુંબલેએ ભારતીય મેદાન પર કુલ 63 મેચ રમી છે. આ દરમિયાન તેણે 350 વિકેટ ઝડપી હતી. તેણે પોતાની કારકિર્દીમાં 132 ટેસ્ટમાં કુલ 619 વિકેટ લીધી હતી. અશ્વિને ઘરઆંગણે તેની 59મી મેચમાં તેને પાછળ છોડી દીધો હતો. ઈંગ્લેન્ડ સામે ટેસ્ટમાં 100 વિકેટ લેનાર તે એકમાત્ર ભારતીય છે. તેણે આ સિદ્ધિ પણ માત્ર રાંચી ટેસ્ટમાં જ હાંસલ કરી છે.