બર્મિંઘમમાંરમાઇ રહેલી એશિઝ સિરીઝની પહેલી ટેસ્ટના ચોથા દિવસે રવિવારે ઓસ્ટ્રેલિયા વતી સ્ટીવ સ્મિથ અને મેથ્યુ વેડે સદી ફટકારતા બીજા દાવમાં ઓસ્ટ્રેલિયા7 વિકેટે 487 રનના સ્કોર પર દાવ ડિકલેર કરીને ઇંગ્લેન્ડને ટેસ્ટ જીતવા માટે 398 રનનો લક્ષ્યાંક આપ્યો હતો.
ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 284 રને સમેટાયા પછી ઇંગ્લેન્ડે પોતાના પહેલા દાવમાં 374 રન બનાવીને 90 રનની સરસાઇ મેળવી લીધી હતી. ઓસ્ટ્રેલિયાના બીજા દાવની શરૂઆત ફરી એકવાર ખરાબ રહી હતી અને 27 રનમાં તેમણે બે વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી ઉસ્માન ખ્વાજા અને સ્ટીવ સ્મિથે મળીને 48 રનની ભાગીદારી કરી સ્કોરને 75 સુધી લઇ ગયા ત્યારે ખ્વાજા અંગત 40 રન કરીને આઉટ થયો હતો. અહીંથી સ્મિથે ટ્રેવિસ હેડની સાથે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 130 રનની ભાગીદારી કરી હતી,
સ્કોર 205 પર પહોંચ્યો ત્યારે હેડ 51 રન કરીને આઉટ થયો હતો. તે પછી સ્મિથ અને વેડ વચ્ચે પાંચમી વિકેટની ભાગીદારીમાં 126 રન ઉમેર્યા હતા. આ દરમિયાન તેણે એક ટેસ્ટમાં જ પોતાની બીજી અને કેરિયરની 25મી સદી પુરી કરી હતી. સ્કોર 331 રને પહોંચ્યો તે સમયે સ્મિથ અંગત 142 રન કરીને આઉટ થયો હતો. મેથ્યુ વેડ 110 રન કરીને આઉટ થયો હતો. તે પછી પેટીનસન 47 અને કમિન્સ 26 રને રમતા હતા ત્યારે ઓસ્ટ્રેલિય કેપ્ટને 7 વિકેટે 487 રનના સ્કોર પર દાવ ડિકલેર કરી દીધો હતો.