Australia Test Squad 2025: માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ ઇજાને કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર, જ્યારે સેમ કોન્સ્ટાસનો ઓસ્ટ્રેલિયન ટીમમાં સમાવેશ
Australia Test Squad 2025: વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલમાં દક્ષિણ આફ્રિકા સામે હાર બાદ ઓસ્ટ્રેલિયન ટીમ હવે નવા ચક્રની શરૂઆત વેસ્ટ ઈન્ડિઝ સામે કરશે. જોકે, આ શ્રેણી શરૂ થવા પહેલાં ટીમને બે મોટા ઝટકા લાગ્યા છે. ટોપ ઓર્ડર બેટ્સમેન માર્નસ લાબુશેન ફોર્મના અભાવે બહાર થયા છે જ્યારે સ્ટીવ સ્મિથ ઇજાને કારણે પ્રથમ ટેસ્ટ માટે ઉપલબ્ધ નથી.
ટીમના મુખ્ય પસંદગીકાર જ્યોર્જ બેઇલીએ જણાવ્યું કે લાબુશેન હાલમાં પોતાની શ્રેષ્ઠ ફોર્મમાં નથી. “અમે જાણીએ છીએ કે લાબુશેન કેટલો પ્રતિભાશાળી ખેલાડી છે, પરંતુ હાલમાં તેનું પ્રદર્શન તેના સ્ટાન્ડર્ડ મુજબ નથી. અમને આશા છે કે તે આ સમયનો ઉપયોગ પોતાની રમત સુધારવા માટે કરશે,” એમ તેમણે જણાવ્યું.
કોન્સ્ટાસની એન્ટ્રી – ભારત સામે ઝળકાવેલો યુવા સ્ટાર
લાબુશેનના સ્થાન પર સેમ કોન્સ્ટાસને તક આપવામાં આવી છે. તેણે અગાઉ ભારત સામે રમેલી ઘરના ટેસ્ટ સિરીઝમાં સારો પ્રભાવ છોડી દીધો હતો. યાદ રહે કે કોન્સ્ટાસની ભારત સામેની મેચમાં વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ સાથે ચર્ચિત વિવાદ થયો હતો. બુમરાહે ત્યારબાદ તે જ ઓવરમાં તેને આઉટ કર્યો હતો, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો હતો.
સ્મિથને આંગળીમાં ઇજા – આરામ ફરજિયાત
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલમાં ટેમ્બા બાવુમાનો કેચ લેતી વખતે સ્મિથના જમણા હાથની નાની આંગળીમાં ઇજા થઈ હતી. બેઇલીએ જણાવ્યું કે તેને આરામની જરૂર છે અને શક્ય છે કે તે બીજી ટેસ્ટ માટે ફિટ થઈ શકે. તેના સ્થાને જોશ ઇંગ્લિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
શ્રેણી શેડ્યૂલ અને ટીમ
ત્રણ ટેસ્ટની શ્રેણીની શરૂઆત 25 જૂનથી થશે. બીજી ટેસ્ટ 3 જુલાઈથી અને ત્રીજી 13 જુલાઈથી રમાશે. ઓસ્ટ્રેલિયાની ટીમમાં ઘણા યુવા અને અનુભવી ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયા માટે પસંદ કરાયેલી ટીમ:
પેટ કમિન્સ (કપ્તાન), સીન એબોટ, સ્કોટ બોલેન્ડ, એલેક્સ કેરી, કેમેરોન ગ્રીન, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઇંગ્લિસ, ઉસ્માન ખ્વાજા, સેમ કોન્સ્ટાસ, મેથ્યુ કુહનેમેન, નાથન લાયન, મિચેલ સ્ટાર્ક, બ્યુ વેબસ્ટર.
માર્નસ લાબુશેન અને સ્ટીવ સ્મિથ પ્રથમ ટેસ્ટમાંથી બહાર.