શનિવારે સાંજે 6.00 વાગ્યાથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયા પોતાના સ્ટ્રાઇક બોલર મિચેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને આરામ આપે તેવીિ શક્યતા છે. ઓસ્ટ્રેલિયાની ટીમ 12 પોઇન્ટ સાથે પહેલાથી જ સેમી ફાઇનલ માટે ક્વોલિફાઇ કરી ચુકી છે અને તેથી તે પોતાના મુખ્ય બોલરોને આરામ આપવાનો વિચાર કરી રહી છે. જો કે કેપ્ટન એરોન ફિન્ચનું કહેવું છે કે ટીમના ખેલાડીઓમાં આરામ જેવી બાબતે કોઇ રસ નથી, અમે માત્ર અમારી જીતના રથને આગળ ધપાવવા માગીએ છીએ. સાથે જ આ મેચ પછીની મેચ માટે અમારી પાસે એક અઠવાડિયાનો સમય હશે.
ફિન્ચે કહ્યું હતું કે તે એક અઠવાડિયામાં ખેલાડીઓ પોતાને તાજામાજા કરી શકશે. ડેવિડ વોર્નર આ અઠવાડિયે જ પિતા બનવાનો છે. તેથી તેને વર્લ્ડ કપ સિવાય કંઇ અન્ય બાબતે વિચારવાનો સમય મળશે. ન્યુઝીલેન્ડ સામેની મેચ પહેલા ફિન્ચે કીવી ટીમની પ્રશંસા કરતાં કહ્યું હતું કે તે એવી ટીમ છે જે દરેક મેચ લડીને જીતે છે. તેમને એ વાતે કોઇ ફરક નથી પડતો કે તે મેચ વર્લ્ડ કપની ફાઇનલ છે કે પછી કોઇ ક્લબ ગેમ. સાથે જ તે એક શ્રેષ્ઠતમ ફિલ્ડીંગ સાઇટ છે. તેઓ તમારા પર પ્રેશર ઊભું કરે છે.