સિડની ટેસ્ટના પ્રથમ દિવસે પાકિસ્તાનના ફાસ્ટ બોલર આમિર જમાલે જે સિદ્ધિ હાંસલ કરી છે તે આ પહેલા કોઈ પાકિસ્તાની ક્રિકેટરે કરી નથી. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ મેચોની શ્રેણીની છેલ્લી ટેસ્ટ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. મેચના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 313 રનમાં આઉટ કરી દીધું હતું અને દિવસની રમતના અંતે એકપણ વિકેટ ગુમાવ્યા વિના 6 રન બનાવી લીધા હતા. 9મા નંબરે બેટિંગ કરવા આવેલા આમિર જમાલે 82 રનની વિસ્ફોટક ઇનિંગ ન રમી હોત તો પાકિસ્તાનની હાલત વધુ ખરાબ હોત. પાકિસ્તાને 227 રનમાં 9મી વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યારપછી એવું લાગતું હતું કે પાકિસ્તાનની ટીમ પહેલી ઈનિંગમાં 300નો સ્કોર છોડીને 250 રન સુધી પણ પહોંચી શકશે નહીં, પરંતુ આ પછી આમિર જમાલની યાદગાર ઈનિંગ્સ શરૂ થઈ, જે વર્ષો સુધી યાદ રહેશે. નાથન લિયોને 13ના સ્કોર પર જમાલનો કેચ છોડ્યો હતો, પરંતુ હવે જમાલ પોતાની ડેબ્યૂ સિરીઝમાં અડધી સદી ફટકારનાર અને પાંચ વિકેટ ઝડપનાર પ્રથમ પાકિસ્તાની ખેલાડી બની ગયો છે.
9મા નંબરે બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ક્રિકેટમાં આ અત્યાર સુધીનો બીજો સૌથી મોટો સ્કોર છે. આ વર્લ્ડ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના ભૂતપૂર્વ વિકેટકીપર બેટ્સમેન એડમ પરોરના નામે છે, જેણે 2001માં ઓસ્ટ્રેલિયા સામે પર્થમાં 9માં નંબર પર બેટિંગ કરતી વખતે 110 રન બનાવ્યા હતા. આ પછી બીજા નંબર પર આમિર જમાલ આવી ગયો છે જેણે 82 રનની ઇનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયામાં ઓસ્ટ્રેલિયા સામે 9માં નંબર પર બેટિંગ કરતા પાકિસ્તાનનો આ અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે.
આ પહેલા આ રેકોર્ડ વસીમ બારીના નામે હતો, જેણે 1972માં એડિલેડમાં ઓસ્ટ્રેલિયા સામે 9માં નંબર પર બેટિંગ કરતી વખતે 80 રનની ઇનિંગ રમી હતી. પાકિસ્તાનના કુલ છ ખેલાડીઓએ ઑસ્ટ્રેલિયામાં ઑસ્ટ્રેલિયા સામે નંબર 9 પર બેટિંગ કરતાં 50+ રન બનાવ્યા છે. જેમાં વસીમ બારી, સોહેલ ખાન (65), ઈમ્તિખાબ આલમ (61), મોઈન ખાન (61) અને વસીમ અકરમ (52) જેવા નામ સામેલ છે. આમિર જમાલ આ યાદીમાં સામેલ થનાર છઠ્ઠો ખેલાડી બની ગયો છે.