બાંગ્લાદેશે અહી શાકિબ અલ હસન અને મુશ્ફીકર રહીમની અર્ધસદીઓના પ્રતાપે 7 વિકેટે 262 રન બનાવીને અફઘાનિસ્તાન સામે 263 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. તે પછી શાકિબ અલ હસને 29 રનમાં 5 વિકેટ ઉપાડીને અફઘાનિસ્તાનને 200 રનમાં ઓલઆઉટ કરવામાં મહત્વની ભૂમિકા ભજવીને બાંગ્લાદેશને 62 રને હરાવ્યું હતું.
અફઘાનિસ્તાનને ગુલબદિન નૈબ અને રહમત શાહે સારી શરૂઆત અપાવી હતી જો કે શાકિબે આ ભાગીદારી તોડી તે પછી તેમની વિકેટ પડવાનું શરૂ થઇ ગયું હતુ. ગુલબદિને 47 રન કર્યા અને શિનવારીને કોઇનો સાથ નહોતો મળ્યો અને તે 49 રન કરીને નોટઆઉટ રહ્યો હતો.
અફઘાનિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પાંચમી ઓવરમાં જ લિટન દાસ 16૬ રન કરીને મુજીબનો શિકાર બન્યો હતો. તે પછી શાકિબે તમીમ સાથે 59 રનની અને રહીમ સાથે 61 રનની ભાગીદારી કરી હતી. શાકિબ આ વર્લ્ડ કપમાં પાંચમીવાર 50થી વધુનો સ્કોર કર્યો હતો અને તે 51 રન કરીને મુજીબનો બીજા શિકાર બન્યો હતો. 83 રન કરનારા રહીમે મહમદુલ્લાહ સાથે 56 રનની મહત્વની ભાગીદારી કરીને સ્કોર 200 પાર પહોંચાડ્યો હતો. મોસાદેકે 24 બોલમાં 35 રનની ઇનિંગ રમીને બાંગ્લાદેશને 262 રનના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.