નવી દિલ્હી : જો બધુ શેડ્યૂલ પ્રમાણે ચાલે તો ભારતીય ટીમના પૂર્વ બેટિંગ કોચ સંજય બાંગડને ટૂંક સમયમાં બાંગ્લાદેશ ક્રિકેટ ટીમના બેટિંગ સલાહકાર તરીકે જોવામાં આવશે. બાંગ્લાદેશ જૂનમાં ઓસ્ટ્રેલિયામાં યોજાનારી બે મેચની ટેસ્ટ સિરીઝ માટે તેમની ટીમના બેટિંગ સલાહકારની નિમણૂક કરી શકે છે.
અહેવાલો અનુસાર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (બીસીબી) બાંગડને તેની રાષ્ટ્રીય ટીમનો બેટિંગ કોચ બનાવવાની વિચારણા કરી રહ્યું છે, ખાસ કરીને ટેસ્ટ ક્રિકેટ માટે.
બીસીબીના ચીફ એક્ઝિક્યુટિવ નિઝામુદ્દીન ચૌધરીએ બુધવારે પત્રકારોને જણાવ્યું હતું કે, ‘અમે બાંગડ સાથે (ટેસ્ટ બેટિંગ સલાહકાર માટે) વાત કરી છે, પરંતુ હજુ સુધી કંઈપણ ફાઇનલ થયું નથી. આ સિવાય અમે કેટલાક અન્ય લોકો સાથે પણ વાતચીત કરી રહ્યા છીએ.
ભૂતપૂર્વ સાઉથ આફ્રિકન ખેલાડી નીલ મેકેન્ઝી હાલમાં મર્યાદિત ઓવરના ક્રિકેટમાં બાંગ્લાદેશની સેવા કરી રહ્યો છે અને બોર્ડની ટેસ્ટમાં પણ તેની સેવાઓ લેવા માંગે છે. તેમ છતાં મેકેન્ઝી ત્રણેય ફોર્મેટમાં કોચિંગ આપવા માંગતા નથી.