બીસીસીઆઇની બહુપ્રતિક્ષિત ચૂંટણી હરિયાણા અને મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લેતા હવે એક દિવસ મોડી 23 ઓક્ટોબરે યોજાશે. ભારતીય ક્રિકેટ બોર્ડનું સંચાલન કરતી વહીવટદારોની સમિતિના અધ્યક્ષ વિનોદ રાયે મંગળવારે આ માહિતી આરપી હતી. બંને રાજ્યોમાં 21 ઓક્ટોબરે વિધાનસભા ચૂંટણી થવાની છે અને બંને રાજ્ય એકમો માટે મતદાન કરનારા સભ્યોને કોઇ અસુવિધા ન થાય તે નિશ્ચિત કરવા માટે બીસીસીઆઇની ચૂંટણી એક દિવસ પાછળ લઇ જવાઇ છે.
સીઓએ અધ્યક્ષ રાયે કહ્યું હતું કે બીસીસીઆઇની ચૂંટણી તેના ટ્રેક પર જ છે, રાજ્ય વિધાનસભા ચૂંટણીને કારણે અમે અમારી ચૂંટણી એક દિવસ ટાળવાનો નિર્ણય લીધો છે. તેથી હવે તે 22 ઓક્ટોબરના સ્થાને 23 ઓક્ટોબરે યોજાશે . સીઓએના અન્ય એક સભ્ય ડાયેના એદલજીએ કહ્યું હતું કે હું બીસીસીઆઇની ચૂંટણીમાં કોઇ પ્રકારના વિલંબની વિરુદ્ધમાં છું પણ એ સમજી શકું છું કે રાજ્ય વિધાનસભાની ચૂંટણીને કારણે તેને એક દિવસ ટાળવામાં આવી છે.
રાય મંગળવારે સુપ્રીમ કોર્ટના ચુકાદાથી ખુશ જણાયા હતા. સુનાવણી દરમિયાન તેમની યાચિકા સ્વિકારી લેવાઇ હતી, જેમાં તમિલનાડુ ક્રિકેટ એસોસિએશનને ચૂંટણી કરાવવા માટે અપાયેલી મંજૂરી પર સ્પષ્ટીકરણ માગવામાં આવ્યું હતું.