નવી દિલ્હી : બીસીસીઆઈની ક્રિકેટ સલાહકાર સમિતિ (સીએસી) મહિનાના અંત સુધીમાં બે નવા પસંદગીકારોના નામની જાહેરાત કરી શકે છે. મુખ્ય પસંદગીકાર એમ.એસ.કે. પ્રસાદ અને સભ્ય ગગન ખોડાનો કાર્યકાળ પૂરો થયો છે. જ્યારે અન્ય ત્રણ સભ્યો દેવાંગ ગાંધી, જતીન પરાંજપે અને શરનદીપ સિંહનો કાર્યકાળ એક વર્ષથી વધુનો છે. સીએસીના સભ્ય મદન લાલે જણાવ્યું હતું કે, ન્યુઝીલેન્ડનો પ્રવાસ પૂરો થતાં પહેલા બે નવા પસંદગીકારોની પસંદગી કરવામાં આવશે. જો કે, કયા લોકોના ઇન્ટરવ્યુ લેવાનું બાકી છે. આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કુલ 44 અરજીઓ આવી છે.
ત્રણ સભ્યોની સીએસી કમિટીમાં રુદ્ર પ્રતાપ સિંહ અને સુલક્ષણ નાયક પણ શામેલ છે. ભારત પાસે ન્યુઝીલેન્ડ પ્રવાસ પર રમવા માટે વધુ બે ટેસ્ટ છે. આ પ્રવાસ 4 માર્ચના રોજ સમાપ્ત થશે. સિરીઝ બાદ, ટીમે 12 માર્ચથી દક્ષિણ આફ્રિકા સામે વનડે સિરીઝ રમવાની છે. આ સિરીઝ માટે નવી પસંદગી સમિતિ દ્વારા ટીમની પસંદગી કરવામાં આવશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, અજિત અગરકર, લક્ષ્મણ શિવરામકૃષ્ણન, વેંકટેશ પ્રસાદ અને રાજેશ ચૌહાણને ઇન્ટરવ્યૂ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.