ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે હૈદરાબાદમાં ત્રીજી અને અંતિમ ટ્વેન્ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ થતાં ઓસ્ટ્રેલિયાની ટીમ સ્વદેશ જવા રવાના થઇ હતી. વતન વાપસી પહેલા ઓસ્ટ્રેલિયાના બેટસમેન ડેવિડ વોર્નરે દેશના ક્રિકેટપ્રેમીઓનો આભાર માન્યો હતો અને ટીમના ભારત પ્રવાસને સારો ગણાવ્યો હતો.
વોર્નરે કહ્યું કે, ભારત તમારો આભાર અમારી યજમાની કરવા માટે. અમને ભારતમાં રમવાનું સારુ લાગે છે. અમને અહીંયા ઘણો પ્રેમ અને સન્માન મળે છે. વોર્નરે હૈદરાબાદમાં ત્રીજી ટ્વેન્ટી-20 મેચ વરસાદના કારણે રદ્દ થતાં અફસોસ પણ વ્યક્ત કર્યો હતો. પોતાના ઇન્સ્ટાગ્રામમાં ભારતને સેલ્યૂટ કરતા એક ફોટો પણ તેણે શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છેકે, આભાર ભારત.