લોર્ડસના મેદાન પર મંગળવારે રમાયેલી યજમાન ઇંગ્લેન્ડ સામેની મેચમાં ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર જેસન બેહરનડોર્ફ અને મિચેલ સ્ટાર્કે મળીને એક નવો રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. માત્ર વર્લ્ડ કપ જ નહીં પણ વન ડે ક્રિકેટના ઇતિહાસમાં આ જોડીના નામે એ રેકોર્ડ લખાયો છે. બંનેએ મળીને કુલ 9 ઇંગ્લીશ બેટ્સમેનોને પેવેલિયન ભેગા કર્યા હતા અને વનડે ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર બે ડાબોડી બોલરોએ મળીને એક મેચમાં કોઇ ટીમની 9 વિકેટ ઉપાડી હોય તેવું પહેલીવાર બન્યું છે.
ઇંગ્લેન્ડ સામેની એ મેચમાં બેહરનડોર્ફે જોરદાર બોલિંગ કરીને 44 રન આપીને 5 વિકેટ ઉપાડી હતી. જ્યારે સ્ટાર્કે 43 રન આપીને 4 વિકેટ ઉપાડી હતી. બંનેએ મળીને કુલ 9 વિકેટ ઉપાડી જે કોઇ પણ વનડેમાં 9 વિકેટ ઉપાડનારી પહેલી ડાબોડી બોલરોની ઓપનીંગ જોડી બની છે. વનડે ક્રિકેટમાં એવું પહેલીવાર બન્યું છે કે જ્યારે બે ડાબોડી બોલરોએ પોતાની ટીમના બોલિંગ આક્રમણની શરૂઆત કરીને હરીફ ટીમની 9 વિકેટ ઉપાડી હોય.