શુક્રવારે સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર ભારતના પ્રવાસે આવેલી દક્ષિણ આફ્રિકાની મહિલા ટીમ અને બોર્ડ પ્રેસિડન્ટ મહિલા ઇલેવન વચ્ચે પ્રથમ પ્રેક્ટિસ મેચ આડે ખરાબ હવામાને વિઘ્ન નાંખતા આ પ્રથમ પ્રેક્ટિસ મેચ રદ કરવામાં આવી છે. ખરાબ હવામાનની સાથે જ આઉટફિલ્ડ ભીનું હોવાને કારણે શુક્રવારની પ્રથમ પ્રક્ટિસ મેચ પડતી મુકવાનો નિર્ણય લેવાયો હતો. હવે બંને ટીમ રવિવારે બીજી પ્રેક્ટિસ મેચ રમીને પોતાની તાકાતના પારખાં કરી લેશે
રવિવારે જ્યારે બંને ટીમ મેદાને ઉતરશે ત્યારે બધાની નજર સંભવતઃ 15 વર્ષની શેફાલી વર્માં પર સ્થિર રહે તેવી સંભાવના છે. શેફાલીને આ વર્ષે વયજૂથની સ્પર્ધાઓ તેમજ મહિલા ટી-20 ચેલેન્જરમાં સારા પ્રદર્શનને કારણે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 સિરીઝ માટેની ટીમમાં સામેલ કરવામાં આવી છે.
જો શુક્રવારની પ્રેક્ટિસ મેચ માટેની અંતિમ ઇલેવનમાં તેને સ્થાન મળશે તો તે આ મેચનો ઉપયોગ સારુ પ્રદર્શન કરીને ટી-20 સિરીઝની અંતિમ ઇલેવનમાં સામેલ થવા માટે કરી લેશે, પહેલી પ્રેક્ટિસ મેચ શુક્રવારે રમાશે જ્યારે બીજી મેચ રવિવારે રમાશે. શેફાલી ઉપરાંત ઝડપી બોલર માનસી જોશી અને પૂજા વસ્ત્રાકર પણ આ બે પ્રેક્ટિસ મેચમાં સારું પ્રદર્શન કરીને ટી-20 સિરીઝ પહેલા રિધમ મેળવી લેવાનો પ્રયાસ કરશે. આ બે મેચમાં સારા પ્રદર્શનથી મંગળવારથી શરૂ થતી ટી-20 સિરીઝ માટે ખેલાડીઓનું મનોબળ વધશે.
દક્ષિણ આફ્રિકાની ટીમ પણ વિજય સાથે ભારત પ્રવાસની શરૂઆત કરવા ઇચ્છતી હશે. પ્રવાસી ટીમ આ બે પ્રેક્ટિસ મેચનો ઉપયોગ સ્થિતિનું આકલન કરવા અને અહીના વાતાવરણ સાથે સામંજસ્ય બેસાડવા માટે કરી લેશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની આ સિરીઝની તમામ ટી-20 સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે રમાશે, જ્યારે વન-ડે મેચ વડોદરા ખાતે રમાશે. બંને ટીમ નીચે મુજબ છે.
બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન : સુષમા વર્મા (કેપ્ટન-વિકેટકીપર), દેવિકા વૈદ્ય (વાઇસ કેપ્ટન), વનિતા વીઆર, શેફાલી વર્મા, પ્રિયા પુનિયા, જસિયા અખ્તર, એમડી થિરુશકામિની, માધુરી મહેતા, તરન્નુમ પઠાણ, સુશ્રી દિવ્યદર્શની, તનુજા કંવર, ભારતી ફુલમાલી, માનસી જોશી, રેણુકા સિંહ, પૂજા વસ્ત્રાકર.
દક્ષિણ આફ્રિકા : સુને લુસ (કેપ્ટન), એનેકે બોશ, તસ્મિન બ્રિટ્સ, નાદિને ડિ ક્લર્ક, શબનમ ઇસ્માઇલ, સિનાલો જાફ્ટા, અયાબોંગા ખાકા, લારા ગુડાલ, લિજલે લી, નાનકુલુલેકો મ્લાબા, તુમી સેખુખુને, નોન્દુમિસો શાગાંસે, મિગનોન ડુ પ્રીઝ અને લારા વુલવોર્ટ.