સાઉધેમ્પટન : પાકિસ્તાનના ઇંગ્લેન્ડ પ્રવાસની અહીં રમાયેલી બીજી વનડેમાં જાસ બટલરે વિસ્ફોટક બેટિંગ કરીને 55 બોલમાં 9 છગ્ગા અને 6 ચોગ્ગાની મદદથી નોટઆઉટ 110 રન વિંઝી કાઢ્યા હતા. તેના સિવાય જેસન રોયે 87, જોની બેયરસ્ટોઍ 51 અને ઇયોન મોર્ગને નોટઆઉટ 71 રન ફટકારતાં ઇંગ્લેન્ડે નિર્ધારિત 50 ઓવરમાં 3 વિકેટે 373 રનનો વિશાળ સ્કોર બનાવી લીધો હતો. 374 રનના વિશાળ લક્ષ્યાંક સામે પાકિસ્તાન વતી ફખર ઝમાને પણ તોફાની સદી ફટકારી હતી છતાં તેની ટીમ 12 રને મેચ હારી ગઇ હતી. મેચમા બંને ટીમ મળીને કુલ 734 રન થયાં
બટલરના 55 બોલમાં 110 રન ઉપરાંત રોય, બેયરસ્ટો અને મોર્ગનની અર્ધસદીના પ્રતાપે ઇંગ્લેન્ડે 373 રનનો વિશાળ સ્કોર ખડક્યો
પાકિસ્તાને ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી જેસન રોય અને બેયરસ્ટોઍ ઇંગ્લેન્ડને જોરદાર શરૂઆત અપાવીને પ્રથમ વિકેટની 115 રનની ભાગીદારી કરી હતી, તે પછી બેયરસ્ટો 51 રને આઉટ થયો હતો. રોયે તે પછી જો રૂટ સાથે 62 રનની ભાગીદારી કરી હતી. અને તે 87 રન કરી આઉટ થયો તે પછી રુટ 40 રન બનાવી આઉટ થયો હતો. અહીંથી બટલર અને મોર્ગને અંતિમ 15 ઓવરમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. બટલરે પોતાની સદી 50 બોલમાં પુરી કરી હતી અને તે 110 રન કરીને નોટઆઉટ રહ્યો હતો, જ્યારે મોર્ગન 71 રને નોટઆઉટ રહ્યો હતો.
ફખર ઝમાને 84 બોલમાં સદી ફટકારી 106 બોલમાં 138 રન કર્યા : મેચમાં બંને ટીમ મળીને કુલ 734 રન થયા
374 રનના લક્ષ્યાંક સામે ફખર ઝમાન અને ઇમામ ઉલ હકે જોરદાર શરૂઆત અપાવીને 14.2 ઓવરમા 92 રન બોર્ડ પર મુકી દીધા હતા. હક 35 રન કરીને આઉટ થયો તે પછી ઝમાને બાબર આઝમ સાથે 135 રનની ભાગીદારી કરી હતી. ઝમાને 84 બોલમાં પોતાની સદી પુરી કરી હતી અને તે 106 બોલમાં 12 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી 138 રન કરીને આઉટ થયો હતો. તે આઉટ થયો તે પછી બાબર પણ 51 રન કરીને આઉટ થયો હતો. તે પછી આસિફ અલીઍ 36 બોલમાં 51 અને કેપ્ટન સરફરાઝ અહેમદે 32 બોલમાં 41 રનની ઇનિંગ રમી પણ પુંછડીયાઓની નિષ્ફળતાને કારણે તેઓ 50 ઓવરમાં 7 વિકેટે 361 રન સુધી જ પહોંચી શક્યા હતા.