ચાઇનીઝ મોબાઇલ કંપની ઓપ્પોઍ પોતાના સ્પોન્સરશિપ રાઇટ્સ ઓનલાઇન ટ્યુટોરિયલ કંપની બાયજુસને હવાલે કરી દીધા હોવાથી ભારતીય ટીમની સત્તવાર ટી-શર્ટ પર સપ્ટેમ્બરથી નવી બ્રાન્ડ નેમનો લોગો આવી જશે, ઍવી જાહેરાત બીસીસીઆઇ દ્વારા આજે કરવામાં આવી હતી.
બીસીસીઆઇ દ્વારા ઍક નિવેદનમાં જણાવાયું હતું કે હાલની ટીમની સ્પોન્સર કંપની ઓપ્પો મોબાઇલ ઇન્ડિયા લિમિટેડની તમામ જવાબદારીઓ બાયજુસ ટેક ઓવર કરી લેશે. તેમા વધુમાં જણાવાયું છે કે પાંચમી સપ્ટેમ્બર 2019થી 31 માર્ચ 2022 સુધી ટીમના સત્તાવાર સ્પોન્સર તરીકે ભારતની અગ્રગણ્ય ઍજ્યુકેશન ઍન્ડ લર્નિંગ ઍપ બાયજુસને આવકારતા આનંદ અનુભવે છે.
બીસીસીઆઇ અને ઓપ્પો વચ્ચે 2017થી પાંચ વર્ષના ગાળા માટે રૂ. 1079 કરોડનો કરાર થયો હોવાનું કહેવાયું હતું. દક્ષિણ આફ્રિકા સામે 15 સપ્ટેમ્બરથી ઘરઆંગણે શરૂ થઇ રહેલી સિરીઝથી વિરાટ કોહલીની ટીમ નવા લોગો સાથેની ટી-શર્ટ ધારણ કરશે. સૂત્રોઍ કહ્યું હતું કે આ ટ્રાન્સફર બાબતે ત્રણેય પક્ષો ઓપ્પો, બીસીસીઆઇ અને બાયજુસ વચ્ચ ત્રિપાંખીયો કરાર થયો છે, જેના પર ગુરૂવારે હસ્તાક્ષર કરાયા હતા.
માર્ચ 2017માં અન્ય મોબાઇલ કંપની વિવોને પછાડીને સ્પોન્સરશિપ રાઇટ્સ મેળવનારી ઓપ્પો કંપનીને હવે આ કરાર મોંઘો લાગ્યો છે અને તેથી તેણે તેમાંથી હાથ પાછા ખેંચ્યા છે. બીસીસીઆઇને જો કે કરાર અનુસારની રકમ બાયજુસ દ્વારા મળતી રહેશે તેથી તેને આ મામલે કોઇ ખોટ જવાની નથી.