2018ના અંડર-19 વર્લ્ડકપની ફાઇનલમાં પોતાની જારદાર ઇનિંગ વડે ભારતીય ટીમને જીતાડનાર મનજોત કાલરા પર પોતાની ઉંમર છુપાવવાનો આરોપ મુકાયો છે. કાલરા અને તેના માતા-પિતા પર બોગસ દસ્તાવેજો વડે પોતાની સાચી ઉંમર છુપાવવાનો આરોપ લગાવીને દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી છે.
ઍક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર મુખ્ય મેટ્રોપોલિટન જસ્ટિસ તીસ હજારી કોર્ટમાં દાખલ ચાર્જશીટ અનુસાર મનજોત કાલરાની સાચી જન્મતારીખ 15 જાન્યુઆરી 1998 છે. જ્યારે બીસીસીઆઇના રેકોર્ડ્સમાં તેની જન્મતારીખ 15 જાન્યુઆરી 1999 છે. જે સમયે ઍફઆઇઆર દાખલ કરાઇ હતી તે સમયે કાલરા સગીર હતો અને તેથી તેના માતા-પિતા રંજીત કૌર અને પ્રવીણ કુમારના નામે ચાર્જશીટ દાખલ કરાઇ હતી.
કાલરા ઉપરાંત નગરનિગમના અધિકારીઓ પાસેથી બોગસ જન્મ પ્રમાણપત્ર મેળવનારા 11 અન્ય ખેલાડીઓના માતા-પિતા સામે પણ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. કાલરાના માતા-પિતાઍ જન્મતારીખમાં ઍક વર્ષનો ફેરફાર કરવા બોગસ ઍફીડેવિટ પણ આપવામાં આવી હતી. જો કે કાલરાના પિતાઍ આરોપ ફગાવીને કહ્યું હતું કે તેને સ્કુલમાં દાખલ કરતી વખતે સંબંધીઍ ખોટી જન્મ તારીખ લખાવી હતી અને તે પછી અમે તેમાં સુધારો કરાવ્યો હતો.
મુંબઇ ઇન્ડિયન્સ અને કેકેઆર વતી રમી ચુકેલા નીતિશ રાણાની જન્મ તારીખ પણ બોગસ
અખબારી અહેવાલ અનુસાર મુંબઇ ઇન્ડિયન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વતી આઇપીઍલમાં રમી ચુકેલા અન્ય ઍક ક્રિકેટર નીતિશ રાણાની જન્મતારીખમાં પણ ઘાલમેલ કરાઇ છે. ચાર્જશીટમાં જણાવાયું છે કે ડીડીસીઍ માટે અરજી કરવા દરમિયાન નીતિશ રાણા દ્વારા અપાયેલું બર્થ સર્ટિફિકેટ બોગસ હતું. તેના પિતા દારા સિંહ રાણા દ્વારા તે બનાવડાવવામાં આવ્યું હતું. જેથી ડીડીસીઍ વતી રમીને તેના પુત્રને ફાયદો મળી શકે.