ઇંગ્લેન્ડના બોલર ક્રિસ વોક્સે અંતિમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ દરમિયાન મિચેલ માર્શને વિકેટ પાછળ ત્રીજી સ્લિપમાં ઊભેલા રોરી બર્ન્સના હાથમાં કેચ આઉટ કરાવ્યો હતો, જો કે તેનો એ બોલ નો બોલ હોવાને કારણે માર્શ આઉટ થયો નહોતો.
રસપ્રદ વાત એ હતી કે ક્રિસ વોક્સની ટેસ્ટ કેરિયરનો એ પહેલો નો બોલ હતો. આ નો બોલ પહેલા વોક્સે 867 ઓવર ફેંકી હતી પણ તેમાંથી એક પણ બોલ તેણે ઓવર સ્ટેપિંગ કરીને ફેંક્યો નહોતો. મતલબ કે 5200 બોલ ફેંક્યા પછી તેણે પહેલો નો બોલ ફેંક્યો હતો.
તેના બોલે ત્રીજી સ્લિપમાં ઝિલાતા માર્શ તો પેવેલિયન ભણી ચાલવા પણ માંડ્યો હતો પણ અમ્પાયરે તેને અટકાવ્યો હતો અને થર્ડ અમ્પાયર પાસે ચેકિંગ કરાવતા જણાયું હતું કે વોક્સે ઓવર સ્ટેપિંગ કર્યું છે અને તેથી માર્શને નોટઆઉટ જાહેર કરાયો હતો.