વડોદરા: ભારતીય ઓલ રાઉન્ડર ક્રિકેટર અને IPL સ્ટાર કૃણાલ પંડ્યા ગર્લફ્રેન્ડ પંખુરી શર્મા સાથે 27 ડિસેમ્બરે લગ્ન કરવા જઇ રહ્યો છે. કૃણાલ પંડ્યાએ લગ્ન પહેલા પંખુરી શર્મા સાથે એક પ્રિ-વેડિંગ ફોટોશૂટ કરાવ્યુ હતું જેની તસવીરો તેને સોશિયલ મીડિયા પર શેર કરી હતી. હાર્દિક પંડ્યાના ભાઇ કૃણાલનું આ ફોટોશૂટ ક્રિકેટ થીમ પર આધારિત હતું. કૃણાલે સાથે જ કેપ્શન પણ લખ્યા હતા. મુંબઇમાં યોજાનારા આ લગ્નમાં બોલિવુડ અને ક્રિકેટ જગતના સ્ટાર ખેલાડી હાજર રહે તેવી શક્યતા છે. કૃણાલ પંડ્યાના લગ્ન મુંબઇની JW મેરિયટ હોટલમાં યોજાશે.
છેલ્લા સમયે લગ્નનો દિવસ નક્કી કરવામાં આવ્યો
કૃણાલ કહે છે, હું અને હાર્દિક બંને ખૂબ જ વ્યસ્ત હતા આથી લગ્નનો દિવસ થોડા મહિના પહેલા જ નક્કી કરી શક્યા. હવે અમે બધા જ લગ્નના દિવસ માટે તૈયાર છીએ. પંખુડી જણાવે છે, “જી હા, અમે એ વાતે તો બહુ જ ક્લિયર છીએ. અમારે હંમેશાથી સાદાઈથી જ લગ્ન કરવા હતા.”
કોણે પહેલા પ્રપોઝ કર્યું હતું?
પંખુડી હસ્તા હસ્તા જવાબ આપે છે, “કૃણાલે. અને એ પણ રાત્રે 2 વાગે! આ ટાઈમે તમને કોઈ પ્રપોઝ કરે તેવી કલ્પના પણ તમે ન કરી શકો. પણ મેં તરત જ હા પાડી દીધી. આ એ જ દિવસ હતો જ્યારે તેની ટીમ આઈપીએલ ફાઈનલ જીતી ગઈ હતી. (ટીમ મુંબઈ જીતી અને કૃણાલ મેન-ઑફ-ધ-મેચ બન્યો હતો) અને અમે બંને ખૂબ ખુશ હતા. એ ક્ષણ હું ક્યારેય નહિ ભૂલુ.”
કોણ છે પંખુરી શર્મા?
મુંબઇની પંખુડી શર્મા ફિલ્મ માર્કેટિંગ સાથે જોડાયેલી છે, તેની ક્રિકેટર કૃણાલ પંડ્યા સાથે મુલાકાત આશરે 2 વર્ષ પહેલા એક પાર્ટીમાં થઇ હતી. પંખુડી કૃણાલના એક મિત્રની કોમન ફ્રેન્ડ છે, તેને જ બન્નેની મુલાકાત કરાવી હતી. આ વર્ષે IPL 2017માં વિનિંગ ટ્રોફી સાથે તેની તસવીર વાયરલ થઇ હતી. તે બાદ પંખુડીનું પંડ્યા બ્રધર્સ સાથે કનેક્શન ચર્ચામાં આવ્યુ હતું.
લગ્ન બાદ બરોડા શિફ્ટ થશે પંખુડી
કૃણાલના જણાવ્યા પ્રમાણે પંખુડી મોટા ભાગે મુંબઇ જ રહે છે. પરંતુ લગ્ન બાદ તે બરોડા શિફ્ટ થવા માટે તૈયાર થઇ ગઇ છે. કૃણાલ જણાવ્યું કે, “પંખુડી બહુ વાર વડોદરા નથી આવી પરંતુ તેને અમારુ નવુ ઘર ખૂબ જ ગમે છે. જ્યાં અમે ટૂંક જ સમયમાં શિફ્ટ થઈશું.”