દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન ડીન એલ્ગરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ભારત સામેની બે મેચની ટેસ્ટ શ્રેણી તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી હશે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 26 ડિસેમ્બરે બોક્સિંગ ડેના રોજથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે. આનો અર્થ એ છે કે ડીન એલ્ગર આવતા વર્ષે દક્ષિણ આફ્રિકા ટેસ્ટ ટીમ સાથે ન્યૂઝીલેન્ડ પ્રવાસ પર નહીં જાય. ડીન એલ્ગરે દક્ષિણ આફ્રિકા માટે અત્યાર સુધીમાં 84 ટેસ્ટ અને 8 વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમી છે. એલ્ગરે 84 ટેસ્ટ મેચોમાં 37.02ની એવરેજથી કુલ 5146 રન બનાવ્યા છે, જે દરમિયાન તેણે 13 સદી ફટકારી છે. ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 22 ડિસેમ્બરે 36 વર્ષના ડીન એલ્ગરના આ નિર્ણયની માહિતી આપી હતી.
ડીન એલ્ગરે 17 ટેસ્ટ મેચોમાં દક્ષિણ આફ્રિકાની કેપ્ટનશીપ કરી છે. “જેમ કે દરેક કહે છે કે, દરેક સારી વસ્તુનો એક દિવસ અંત આવે છે, ભારત સામેની ઘરઆંગણાની ટેસ્ટ શ્રેણી મારી કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી હશે,” એલ્ગરે ક્રિકેટ સાઉથ આફ્રિકાની એક રિલીઝમાં કહ્યું. મેં આ સુંદર રમતમાંથી નિવૃત્તિ લેવાનું મન બનાવી લીધું છે. આ રમતે મને ઘણું આપ્યું છે, કેપટાઉન ટેસ્ટ મારી કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ હશે. તે વિશ્વનું મારું પ્રિય સ્ટેડિયમ પણ છે. આ તે મેદાન છે જ્યાં મેં મારો પ્રથમ ટેસ્ટ રન બનાવ્યો હતો, જે ન્યુઝીલેન્ડ સામે હતો, આશા છે કે હું આ મેદાન પર મારો છેલ્લો રન પણ બનાવીશ.
ડીન એલ્ગરે વધુમાં કહ્યું, ‘ક્રિકેટ રમવું હંમેશા મારું સપનું હતું, મારા દેશનું પ્રતિનિધિત્વ કરવું એ સૌથી મોટી વાત છે. મેં ક્યારેય સપનું પણ નહોતું વિચાર્યું કે હું 12 વર્ષ સુધી આ કરી શકીશ. તે એક અદ્ભુત પ્રવાસ છે જેનો હું એક ભાગ રહ્યો છું. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બે મેચોની શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ સેન્ચુરિયનમાં રમાશે જ્યારે બીજી ટેસ્ટ મેચ કેપટાઉનમાં રમાશે.