નવી દિલ્હી : શ્રીલંકા સામે બીજી વનડે ત્રણ વિકેટથી જીત્યા બાદ ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની શ્રેણીમાં 2-0થી અજેય લીડ મેળવી લીધી છે. આ મેચમાં ભારતની જીતનો હીરો દિપક ચાહર હતો, જેણે 69 રનની અણનમ ઇનિંગ રમી હતી. દિપક ચાહરે પોતાની સફળતાનો શ્રેય રાહુલ દ્રવિડને આપ્યો છે.
દીપક ચાહર કહે છે કે તે માત્ર રાહુલ દ્રવિડના વિશ્વાસને કારણે જ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શક્યો. સ્ટાર ખેલાડીએ કહ્યું કે, “દેશ માટે મેચ જીતવા કરતા મોટું કંઈ નથી. રાહુલ સરે મને દરેક બોલ રમવાની સલાહ આપી હતી.
દીપક ચાહરે વધુમાં કહ્યું કે, રાહુલ સરે મારા પર વિશ્વાસ વ્યક્ત કર્યો. જ્યારે તે ઈન્ડિયા એના કોચ હતા, ત્યારે હું તેની હેઠળ રમ્યો હતો. ત્યાં પણ મેં બેટિંગમાં કેટલીક સારી ઇનિંગ્સ રમી હતી. રાહુલ સરે મને કહ્યું કે હું 7 મા ક્રમે બેટિંગ કરી શકું છું. જ્યારે લક્ષ્ય 50 પર પહોંચ્યું, ત્યારે મને લાગ્યું કે અમે જીતી શકીએ છીએ. મેં કેટલાક જોખમો પણ લીધા.
ભારતના હાથમાંથી નીકળી ગઈ હતી મેચ
ઈંગ્લેન્ડમાં ભારતીય ટીમના મુખ્ય ખેલાડી હોવાને કારણે દીપક ચાહરને આ સિરીઝ રમવાનો મોકો મળ્યો છે. ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રી પણ ઇંગ્લેન્ડમાં છે અને નેશનલ ક્રિકેટ એકેડેમીના પ્રમુખ રાહુલ દ્રવિડને શ્રીલંકા પ્રવાસ માટે કોચિંગની જવાબદારી સોંપવામાં આવી છે.
શ્રીલંકાના 276 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે 116 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતની હાર લગભગ નિશ્ચિત લાગી રહી હતી. પરંતુ દિપક ચાહરે 82 બોલમાં 69 રનની અણનમ ઇનિંગ રમી હતી અને ટીમ ઈન્ડિયાને વિજય અપાવ્યો હતો.
દીપક ચાહરની આ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પહેલી અર્ધસદી છે. દિપક ચાહરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં અગાઉનો ઉચ્ચ સ્કોર 12 રન હતો. દીપક ચાહરે પણ બોલિંગમાં અદ્દભૂત પ્રદર્શન બતાવતા બે વિકેટ ઝડપી હતી. ચાહરને મેચમાં વિજેતા પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ અપાયો હતો.