શનિવારે રમાયેલી અફઘાનિસ્તાન સામેની મેચની અંતિમ ઓવરમાં મહંમદ શમીએ ઉપાડેલી હેટ્રિકના પ્રતાપે ભારતીય ટીમે અફઘાનિસ્તાન સામે 11 રને વિજય મેળવ્યો તે પછી એક સવાલે ઘણી ચર્ચા જગાવી હતી કે અંતિમ ઓવરમાં પહેલા બોલે ચોગ્ગો ખાધા પછી મહેન્દ્ર સિંહ ધોનીએ શમી પાસે આવીને એવું તે શું કહ્યું કે તેની બોલિંગનો અંદાજ બદલાયો અને તેણે એક બે નહીં પણ ત્રણ વિકેટ લઇને પોતાની હેટ્રિક પુરી કરી,
મોહમ્મદ શમીએ 50મી ઓવર શરુ કરી તો તેના પહેલા જ બોલ પર મોહમ્મદ નબીએ ચોગ્ગો માર્યો હતો. અને તે પછી અફઘાન ટીમને 5 બોલમાં જીતવા માટે 12 રનની જરૂર હતી.તે સમયે વિકેટ પાછળથી ધોનીએ શમી પાસે આવીને તેને કંઇક એવું કહ્યું કે તેના પછીના બોલે શમીએ નબીની વિકેટ લીધી. અને ત્યાર પછી આફ્તાબ આલમ અને મુજીબ ઉર રહેમાનની વિકેટ લઇને આ વર્લ્ડ કપની પહેલી હેટ્રિક લીધી હતી. જો કે તેની હેટ્રિક કરતાં વધુ ચર્ચા એ વાતની છે કે ધોનીએ એવું તો શું કહ્યું કે શમીને હેટ્રિક મળી ગઈ?
આ બાબતે મહંમદ શમીએ જાતે જ ખુલાસો કર્યો હતો. તેણે કહ્યું હતું કે, “છેલ્લી ઓવરમાં 16 રન જોઈતા હતા જે થઈ શકે તેમ હતા પણ મને પોતાના પર વિશ્વાસ હતો કે થવા નહીં દઉં.” શમીએ એમ પણ કહ્યું કે, “પહેલા બોલ પર ચોગ્ગો વાગ્યા પછી મનમાં હતું કે જો હવે ભૂલ કરી તો આખો દોષનો ટોપલો મારા માથે આવવાનો છે. ત્યારે કોશિશ કરતો હતો કે બોલ રડારમાં જ પડે…તેને રમિઝ રાજાએ સવાલ કર્યો કે, પહેલા બોલે ચોગ્ગો પડ્યા પછી એમએસ ધોનીએ તારી પાસે આવીને શું વાત કરી હતી? આ સવાલના જવાબમાં શમીએ કહ્યું કે, ધોનીનું એ જ કહેવું હતું કે, ચોગ્ગો વાગી શકે છે કોઈ વાંધો નથી, પણ તું તારો પ્લાન ચેન્જ ના કરતો.. જે તારા મગજમાં છે તું તેના પર ફોકસ કરીને ત્યાં બોલ નાખજે, કશું જ કરવાનું નથી, રન નહીં જ થાય.. ધોનીની એ સલાહ કામ કરી ગઇ અને ભારત મેચ જીતી ગયું.