ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીઍ ખેલાડીઓ પરના વર્કલોડ બાબતે મહત્વનું નિવેદન કરતાં કહ્યું હતું કે વર્લ્ડકપ રમનારા ખેલાડીઓ પરના ભારણ બાબતે આઇપીઍલની ટીમ ફ્રેન્ચાઇઝીઅોને કોઇ દિશા નિર્દેશ અપાયા નથી અને આ મામલે કોઇપણ બાબતે અંકુશ મુકી શકાય તેમ નથી. ભારતીય ટીમના કેપ્ટને ફરી ઍવી આશા વ્યક્ત કરી હતી કે તેના સાથી ખેલાડીઅો ૩૦મી મેથી શરૂ થતાં વર્લ્ડકપ પહેલા પોતાના વર્કલોડનું મેનેજમેન્ટ ચતુરાઇપૂર્વક કરશે.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીઍ કહ્યું હતું કે જો હું ૧૦, ૧૨ કે પછી ૧૫ મેચ રમી શકું તો તેનો ઍ મતલબ જ નથી કે અન્ય ખેલાડીઍ પણ ઍટલી જ રમે. મારુ શરીર કહે છે કે હું ઍટલી જ મેચ રમુ અને ચતુરાઇથી પસંદગી કરીને આરામ પણ કરું. તેણે કહ્યું હતું કે અન્ય કોઇનું શરીર તેના કરતાં વધુ અથવા તો અોછી મેચ રમવાની મંજૂરી આપતું હોય. જેઓ વર્લ્ડકપ રમવા માગતા હોય તેમણે બુદ્ધિમતાથી કામ લેવું જ પડશે. કોહલીઍ કહ્યું હતું કે ફિટનેસનો મુદ્દો ખેલાડીઅો પર નિર્ભર કરે છે. સાથે જ તેણે ઉમેર્યુ હતું કે તમામ ભારતીય ખેલાડીઅો પર ઍવી જવાબદારી હશે કે તેઅો આઇપીઍલ દરમિયાન પોતાની ફિટનેસ અને વર્કલોડનો ખયાલ રાખે. દરેક ખેલાડીઍ આ ટુર્નામેન્ટને વર્લ્ડકપ પહેલા લયમાં આવવાનો ઉદ્દેશ માનીને રમશે.