અમદાવાદ : અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં પોતાના સંબોધન દરમિયાન યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સ્વીકાર્યું કે તે વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. પબ્લિકથી ભરેલા સ્ટેડિયમમાં અમેરિકન રાષ્ટ્રપતિએ ભારતના ક્રિકેટ સ્ટાર્સનું નામ લીધા, જેમણે ભારતને વિશ્વ ક્રિકેટમાં પ્રખ્યાત કર્યુ.
યુએસ રાષ્ટ્રપતિને આવકારવા સરદાર પટેલ (ગુજરાત) સ્ટેડિયમ તેની ક્ષમતા કરતા વધારે દેખાતું હતું. 1 લાખ 10 હજારથી વધુની ક્ષમતાવાળા આ સ્ટેડિયમને જોઈ ટ્રમ્પ રોમાંચિત થઈ ગયા હતા. તેમણે કહ્યું, ‘આજે આપણે વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં છીએ. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમારું સ્વાગત કર્યું, ભારત આજથી અમારો સૌથી મહત્વપૂર્ણ મિત્ર બનશે.
ટ્રમ્પે સચિન-કોહલીનું નામ લીધું
ભારતીય ક્રિકેટના સ્ટાર્સનો ઉલ્લેખ કરતા ટ્રમ્પે કહ્યું કે, ભારતે વિશ્વના મોટા ખેલાડીઓ સચિન તેંડુલકર અને વિરાટ કોહલી આપ્યા. સચિન અને વિરાટનું નામ આવતાની સાથે જ સ્ટેડિયમ પર ઉપસ્થિત લોકોએ તાળીઓનો ગડગડાટ શરુ કરી દીધો હતો અને ટ્રમ્પની આ વાતને વધાવી લીધી હતી.