ઍશિઝ સિરીઝની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો પહેલો દાવ 284 રને સમેટાયા પછી રોરી બર્ન્સે પોતાની કેરિયરની પહેલી સદી ફટકારીને ઇંગ્લેન્ડને મજબૂત સ્કોર ભણી આગળ મુકી દીધું હતું. શુક્રવારે બીજા દિવસની રમત બંધ થઇ ત્યારે ઇંગ્લેન્ડે 4 વિકેટે 267 રનનો સ્કોર બનાવી લીધો છે. રમત બંધ રહી ત્યારે બર્ન્સ 125 અને બેન સ્ટોક્સ 38 રને રમતમાં હતા.
ઇંગ્લેન્ડના દાવની શરૂઆત સારી રહી નહોતી અને 22 રનના સ્કોર પર તેમણે જેસન રોયની વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી બર્ન્સ અને જો રૂટે મળીને 132 રનની ભાગીદારી કરીને ટીમને મુશ્કેલીમાંથી બહાર કાઢી હતી. રૂટ અંગત 57 રન કરીને આઉટ થયો હતો. બર્ન્સે પોતાનો છેડો સાચવીને તે પછી 18 રન કરનારા ડેનલી સાથે 35 રનની ભાગીદારી કરી હતી. ડેનલી 189 રનના સ્કોર પર આઉટ થયો તે પછી જોસ બટલર પણ અંગત 5 રન કરીને આઉટ થતાં ઇંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 184 રન થયો હતો. અહીંથી બર્ન્સે બેન સ્ટોક્સ સાથે દાવને આગળ ધપાવીને 73 રનની નોટઆઉટ ભાગીદારી કરીને સ્કોર 4 વિકેટે 267 રન સુધી પહોંચાડી દીધો હતો.