પાકિસ્તાન સામેની સિરીઝની પાંચમી વનડેમાં જો રૂટ અને ઇયોન મોર્ગનની અર્ધ સદી પછી ક્રિસ વોક્સની ઘાતક બોલિંગને પગલે ઇંગ્લેન્ડે લીડ્સમાં પાકિસ્તાનને 54 રને હરાવીને સતત ચાર વનડે જીતીને સિરીઝ 4-0થી જીતી લીધી હતી. આ સિરીઝની પ્રથમ વનડે વરસાદને કારણે ધોવાયા પછી બાકીની ચારેય મેચમાં ઇંગ્લેન્ડે પાકિસ્તાનને એકપણ તક આપી નહોતી.
પાંચમી વનડેમાં ઇંગ્લેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને રૂટ તેમજ મોર્ગનની અર્ધ સદીના કારણે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટના ભોગે 351 રનનો સ્કોર બનાવ્યો હતો. 352 રનના સ્કોરનો પીછો કરતાં પાકિસ્તાને 6 રનના સ્કોર પર જ બે વિકેટ ગુમાવી દીધી હતી. જો કે તે પછી બાબર આઝમ અને સરફરાઝ અહેમદે શતકીય ભાગીદારી કરીને ટીમને ઉગારી હતી.
આ બંને બેટ્સમેન અર્ધસદી ફટકારીનેં આઉટ થયા તે પછી 46.5 ઓવરમાં જ પાકિસ્તાનની ટીમ 297 રનમાં ઓલઆઉટ થઇ ગઇ હતી. બાબર અને સરફરાઝને બાદ કરતાં પાકિસ્તાનનો કોઇ બેટ્સમેન 30 રનનો આંકડો પાર કરી શક્યો નહોતો. ક્રિસ વોક્સે 54 રનમાં પાંચ વિકેટ ઉપાડી હતી.