વર્લ્ડ કપની ૧૯મી મેચમાં વેસ્ટઇન્ડિઝે પહેલા બેટિંગ કરીને નિકોલસ પૂરનની અર્ધસદી છતાં 44.4 ઓવરમાં 212 રને ઓલઆઉટ થઇ હતી અને ઇંગ્લેન્ડ સામે વિજય માટે 213 રનો લક્ષ્યાંક મુક્યો હતો. ઇંગ્લેન્ડ વતી જો રૂટે બોલિંગમાં કમાલ કરીને પછી બેટિંગમાં પણ સદી ફટકારીને ઇંગ્લેન્ડને 33.1 ઓવરમાં જ 8 વિકેટે વિજય અપાવ્યો હતો.
ઇંગ્લેન્ડના કેપ્ટન મોર્ગને ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યા પછી દાવ લેવા ઉતરેલી વેસ્ટઇન્ડિઝની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. ત્રીજી જ ઓવરમાં ઍવિન લુઇસ આઉટ થયો હતો. તે પછી ક્રિસ ગેલ અને શાઇ હોપે 50 રનની ભાગીદારી કરી પણ ગેલ 30 અને હોપ 11 રન કરીને ટુંકાગાળામાં આઉટ થયા ત્યારે વિન્ડીઝનો સ્કોર 55/3 હતો.
અહીંથી નિકોલસ પુરન અને શિમરોન હેટમાયરે 89 રનની ભાગીદારી કરી, આ બંને રમતા હતા ત્યારે લાગતું હતું કે વેસ્ટઇન્ડિઝ ઍક મોટા સ્કોર ભણી જશે. જો કે રૂટે તે પછી સતત 2 ઓવરમાં પહેલા હેટમાયરને 39 રને અને તે પછી કેપ્ટન જેસન હોલ્ડરને 9 રને આઉટ કર્યા હતા. આન્દ્રે રસેલે 15બોલમાં 21 રનની ઇનિંગ રમી પણ તે ઝાઝુ ખેંચી શક્યો નહોતો. પૂરને ઍક છેડો સાચવી રાખીને 63 રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લેન્ડ તરફથી આર્ચર અને માર્ક વુડે 3-3 જ્યારે રૂટે 2 અને પ્લંકેટ અને વોક્સે 1-1 વિકેટ લીધી હતી.
213 રનના લક્ષ્યાંક સામે ઇંગ્લન્ડને જોની બેયરસ્ટો અને જો રૂટે જોરદાર શરૂઆત અપાવીને પહેલી વિકેટની 95 રનની ભાગીદારી કરી હતી. બેયરસ્ટો 45 રન કરીને આઉટ થયો હતો. તે પછી ક્રિસ વોક્સ બેટિંગમાં આવ્યો હતો અને રૂટે તેની સાથે 104 રનની ભાગીદારી કરીને ટીમનો વિજય નક્કી કરી લીધો હતો. વોક્સ 32મી ઓવરમાં અંગત 40 રન કરીને આઉટ થયો ત્યારે ટીમનો સ્કોર 199 રન હતો અને તે વિજયથી માત્ર 14 રન દૂર હતી. તે પછી બેન સ્ટોક્સ રમતમાં જોડાયો હતો. રૂટે 93 બોલમાં પોતાની સદી પુરી કરી હતી, તેની આ વર્લ્ડ કપની ત્રીજી સદી હતી. આ પહેલા તે શ્રીલંકા અને પાકિસ્તાન સામે સદી ફટકારી ચુક્યો છે. તે પછી બેટિંગમાં આવેલા સ્ટોક્સે ઉપરાછાપરી 2 ચોગ્ગા ફટકારતા ઇંગ્લેન્ડ 8 વિકેટે મેચ જીતી ગયું હતું.