વર્લ્ડ કપની રવિવારે રમાયેલી મેચમાં ઇંગ્લેન્ડે પ્રથમ દાવ લઇને જોની બેયરસ્ટોની સદી ઉપરાંત જેસન રોય અને બેન સ્ટોક્સની ઉમદા અર્ધસદીની મદદથી 7 વિકેટે 337 રન બનાવી ભારતીય ટીમ સામે 338 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. જેની સામે ભારતીય ટીમ 5 વિકેટે 306 રન સુધી જ પહોંચતા ઇંગ્લેન્ડે 31 રને મેચ જીતીને સેમી પ્રવેશની આશા જીવંત રાખી હતી.
ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમને બેયરસ્ટો અને જેસન રોયે જારદાર શરૂઆત અપાવી હતી. આ બંનેની જોડી જ્યારે રમી રહી હતી ત્યારે ઇંગ્લેન્ડનો સ્કોર 400 નજીક જતો દેખાતો હતો. ઇજામાંથી બહાર આવીને ઇંગ્લેન્ડની ટીમમાં પાછા ફરેલા જેસન રોયે 66 રનની ઇનિંગ રમી હતી અને તેણે બેયરસ્ટો સાથે 160 રનની ભાગીદારી કરી હતી, પણ બંને ઓપનર આઉટ થયા પછી તેમની રનગતી ધીમી પડી હતી. મિડલ ઓવરોમાં ઇંગ્લેન્ડના બેટ્સમેનો ધીમાં પડ્યા અને વિકેટ પણ ગુમાવી તે પછી બેન સ્ટોક્સ અને જો રૂટે મળીને ચોથી વિકેટની ભાગીદારીમાં 70 રન ઉમેર્યા હતા. સ્ટોક્સે રનગતી વધારી હતી, રૂટ 48 રન કરીને આઉટ થયો હતો. તે પછી ક્રિસ વોક્સ પણ વહેલો આઉટ થયો હતો પણ સ્ટોક્સે 79 રનની ઇનિંગ રમતાં ઇંગ્લેન્ડની ટીમ 7 વિકટે 337 રન સુધી પહોંચી હતી.
ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને માત્ર 8 રનના સ્કોર પર રાહુલની વિકેટ ગુમાવી હતી. તે પછી રોહિત શર્મા અને વિરાટ કોહલીઍ મળીને 138 રનની ભાગીદારી કરી હતી. કોહલી ફરી ઍકવાર અર્ધસદીને સદીમાં ફેરવી શક્યો નહોતો અને તે 66 રન કરીને આઉટ થયો હતો. રોહિતે ત્યારબાદ ઋષભ પંત સાથે 52 રનની ભાગીદારી કરી હતી. જો કે ટીમ 198 પર પહોંચી ત્યારે રોહિત 102 રન કરીને આઉટ થયો હતો, તે સમયે ટીમને 13.5 ઓવરમાં 140 રન કરવાના હતા. પંતની સાથે જોડાયેલા હાર્દિકે સ્વભાવગત ઇનિંગ રમી હતી પણ સ્કોર 226 પર પહોંચ્યો ત્યારે પંત વોક્સના ઍક જોરદાર કેચને કારણે અંગત 32 રન કરીને આઉટ થયો હતો. તે પછી સ્કોર 267 પર પહોંચ્યા ત્યારે હાર્દિક 33 બોલમાં 45 રન કરીને આઉટ થયો હતો અને તે સમયે 5.1 ઓવરમાં ભારતીય ટીમને 71 રનની જરૂર હતી. તે પછી 50 ઓવરના અંતે સ્કોર 5 વિકેટે 306 રન થયો હતો. ધોની 31 બોલમાં 42 રન કરીને જ્યારે જાદવ 12 રને નોટઆઉટ રહ્યા હતા.