આયરલેન્ડ સામેની ઍકમાત્ર ટેસ્ટમાં પહેલા દાવમાં માત્ર 85 રને ઓલઆઉટ થયેલી ઇંગ્લેન્ડની ટીમે બીજા દાવમાં જેક લીચ અને જેસન રોયની અર્ધસદીની મદદથી બીજા દિવસના અંતે 9 વિકેટે 303 રન બનાવી લીધા હતા. રમત બંધ થઇ ત્યારે સ્ટુઅર્ટ બ્રોડ 21 અને ઓલી સ્ટોન શૂન્ય રને રમતમાં હતા. આયરલેન્ડની પહેલા દાવની 122 રનની સરસાઇને કાપતાં હવે ઇંગ્લેન્ડની સરસાઇ 181 રનની થઇ ગઇ છે.
નાઇટ વોચમેન તરીકે ઓપનીંગ કરવા આવેલા સ્પિનર જેક લિચે 92 રનની જોરદાર ઇનિંગ રમી
બુધવારે નાઇટ વોચમેન તરીકે ઓપનીંગ કરવા માટે ઉતારાયેલા લીચે ધારણા કરતાં સારી રમત બતાવીને 92 રનની ઇનિંગ રમી હતી. તેણે જેસન રોય સાથે 145 રનની ભાગીદારી કરીને ટીમ પરની સરસાઇના દેવાને ઉતારવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. પોતાની પહેલી ટેસ્ટ રમી રહેલો જેસન રોય 72 રન કરીને આઉટ થયો હતો. આ બંને આઉટ થયા તે પછી જો ડેનલી અને જોની બેયરસ્ટોની વિકેટ ટુંકા ગાળામાં પડતાં સ્કોર 5 વિકેટે 194 થયો હતો, મોઇન અલી 9 અને જો રૂટ 31 રન કરીને આઉટ થયા ત્યારે સ્કોર 7 વિકેટે 239 થયો હતો. તે પછી થોડી વારમાં ક્રિસ વોક્સ 13 રન કરીને આઉટ થયો અને અહીંથી સેમ કરેન તેમજ સ્ટુઅર્ટ બ્રોડ વચ્ચે 45 રનની ભાગીદારી થઇ હતી. કરેન 29 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 37 રન કરીને આઉટ થયો ત્યારે સ્કોર 9 વિકેટે 293 પર પહોંચ્યો હતો. દિવસના અંતે સ્કોર 9 વિકેટે 303 રન હતો.