વર્લ્ડ કપમાં આજે ટાઇટલની પ્રબળ દાવેદારોમાં સામેલ ઇંગ્લેન્ડની ટીમનો સામનો ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી કોઇ મોટું પરાક્રમ કરવાથી વંચિત એવી શ્રીલંકાની ટીમ સામે થશે, ત્યારે આ એશિયન દેશની ટીમ ઇંગ્લેન્ડને મોટો પડકાર આપવા માટે સજ્જ થઇ છે. વનડેની નંબર વન ટીમ એવી ઇંગ્લેન્ડે હાલમાં વર્લ્ડ કપની પાંચ મેચમાંથી ચાર મેચ જીતીને ટાઇટલ જીતવાના લક્ષ્ય ભણી મજબૂત આગેકૂચ કરી દીધી છે.
વનડે ફોર્મેટમાં શ્રીલંકાની ટીમ છેલ્લા કેટલાક સમયથી ફાંફા મારી રહી છે. આ વર્લ્ડ કપમાં શ્રીલંકાની ટીમને વરસાદનો માર પડ્યો છે અે તેની સાથે જ તેના ખેલાડીઓ આશા અનુસારનું પ્રદર્શન ન કરી શકતા યુર્નામેન્ટમાં બે મેચ તેઓ હાર્યા છે. બે મેચ વરસાદે ધોઇ નાંખી છે અને તેમણે જે એકમાત્ર વિજય મેળવ્યો છે તે અફઘનિસ્તાન સામે મેળવ્યો છે. શ્રીલંકન ટીમની મુખ્ય ચિંતા ઇંગ્લેન્ડના કેપ્ટન ઇયોન મોર્ગનનું ફોર્મ છે, જેણે આગલી મેચમાં અફઘાનિસ્તાન સામે 17 છગ્ગા ફટકારવાની સાથે 57 બોલમાં સદી ફટકારી હતી.
હાલના વર્લ્ડ કપમાં પહેલીવાર લીડ્યના હેડિંગ્લે મેદાન પર કોઇ મેચ રમાઇ રહી છે. આ મેદાન પર રમાયેલી છેલ્લી 6 વનડેની 9 ઇનિંગમાં 250 પ્લસનો જ સ્કોર બન્યો છે. શુક્રવારની આ મેચમાં સારો તડકો નીકળશે અને આકાશમાં થોડા વાદળો જોવા મળશે પણ વરસાદ થવાની સંભાવના ઘણી ઓછી છે.