બ્રિસ્બેન : ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે આજથી ક્રિકેટનો જંગ એટલે એશિઝની શરૂઆત થઇ છે. પાંચ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટનું આયોજન બ્રિસ્બેનના વૂલન ગાબ્બા મેદાન ખાતે થવાનું છે. ઇંગ્લેન્ડની ટીમે છેલ્લે આ પહેલા ૨૦૧૩-૧૪માં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો જ્યા તેમને ૫-૦થી પરાજયનો સામનો કરવો પડયો હતો. ઝડપી બોલરોના દમ પરઓસ્ટ્રેલિયાને આ શ્રેણીમાં જીત માટે પ્રબળ દાવેદાર માનવામાં આવે છે પરંતુ ઇંગ્લેન્ડની ટીમ પણ અપસેટ સર્જી શકે છે. અત્યાર સુધીમાં બંને દેશો વચ્ચે ૩૨૫ ટેસ્ટ મેચો રમાઇ ચૂકી છે. જેમાં ઓસ્ટ્રેલિયાએ ૧૩૦ અને ઇંગ્લેન્ડની ટીમે ૧૦૬ મેચમાં જીત મેળવી છે. બાકીની ૮૯ ટેસ્ટ મેચ ડ્રોમાં પરિણમી છે.
એશિઝની શરૂઆત :
એશિઝની શરૂઆત વર્ષ ૧૮૮૨થી થઇ હતી. તે વર્ષે ઇંગ્લેન્ડના લંડન શહેરના ધ ઓવલ ખાતે રમાયેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પ્રથમ ઇનિંગ્સમાં ૬૩ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી. જવાબમાં ઇંગ્લેન્ડની ટીમે પ્રથમ ઇનિગ્સમાં ૧૦૧ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમ બીજી ઇનિંગ્સમાં ૧૨૨ રન બનાવી ઓલ આઉટ થઇ ગઇ હતી જેને કારણે ઇંગ્લેન્ડની ટીમને જીત માટે ૮૫ રનનો લક્ષ્યાંક મળ્યો હતો. આસાન લક્ષ્યાંકનો પીછો કરવા ઊતરેલી ઇંગ્લેન્ડની ટીમે બે વિકેટે ૫૧ રન બનાવી લીધા હતા અને તેમને જીત એકદમ નજીક લાગતી હતી પરંતુ ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર ફ્રેડરિક સ્પોફોર્થના મનમાં કઇક અલગ જ ચાલી રહ્યું હતું. અહીંથી તેણે પોતાની ઘાતક બોલિંગની મદદથી ઇંગ્લેન્ડની ટીમને ફક્ત ૭૭ રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. આમ ઓસ્ટ્રેલિયાએ રોમાંચક બનેલી મેચમાં સાત રને ભવ્ય જીત મેળવી હતી. આ ટેસ્ટ મેચની સમાપ્તિ બાદ ઇંગ્લેન્ડના ન્યૂઝ પેપરોએ પોતાની ટીમના ખેલાડીઓના ખરાબ પ્રદર્શનની ટીકા કરી હતી. આ ઉપરાંત તેમણે પોતાના સમાચાર પત્રોમાં ઇંગ્લિશ ક્રિકેટનું નિધન થયું હોવાના આર્ટિકલ લખ્યા હતા. તેમણે લખ્યું હતું કે ધ ઓવલ ખાતે ઇંગ્લેન્ડ ક્રિકેટનું નિધન થયું છે અને તેની રાખ એટલેકે એશિઝ ઓસ્ટ્રેલિયા લઇ જવાની છે. જોકે, આ કારમા પરાજય બાદ ઇંગ્લેન્ડની ટીમે ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો જ્યા તેમણે શ્રેણીમાં જીત મેળવી હતી. તે સમયે ઇંગ્લેન્ડની ટીમના કેપ્ટન ઇવો બ્લાઇને લાકડાના બોલની રાખ ભેટમાં આપવામાં આવી હતી. આ એશિઝ અર્નમાં રાખવમાં આવી હતી અને જેનો ક્યારેય ટ્રોફી તરીકે ઉપયોગ નહોતો થયો. જોકે, ૧૯૨૭માં ઇવો બ્લાઇના નિધન બાદ તેની પત્નીએ તે અર્ન સ્ઝ્રઝ્રને ભેટ આપી હતી.
ઇતિહાસ ઓસ્ટ્રેલિયન ટીમની સાથે, પરંતુ ઇંગ્લેન્ડ અપસેટ સર્જી શકે છે
વર્ષ ૨૦૧૩થી ૨૦૧૫ની વચ્ચે ત્રણ એશિઝ રમનારી ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે બે વર્ષ બાદ આજથી ફરી એક વખત એશિઝમાં રોમાંચક જંગ જોવા મળી શકે છે. બંને ટીમો પાસે આજે નવા કેપ્ટનો છે. ઇંગ્લેન્ડની કમાન જો રૂટ અને ઓસ્ટ્રેલિયન ટીમની કમાન સ્ટીવન સ્મિથના હાથમાં છે. ચલો એક નજર નાંખીએ બંને ટીમોના મજબૂત અને નબળા પાસા પર…
ઓસ્ટ્રેલિયા
ઓસ્ટ્રેલિયા માટે સૌથી મજબૂત પાસું તેની બોલિંગ છે. હાલની ઓસ્ટ્રેલિયન ટીમ પાસે જોશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક અને કમિન્સ જેવા ફાસ્ટ બોલરો છે. આ ઉપરાંત ટીમમાં નાથન લાયન જેવો સ્પિનર પણ છે જેને ઓસ્ટ્રેલિયામાં ઘરઆંગણે ઘણી સફળતા મળી છે. ટીમના બેટ્સમેનોમાં કેપ્ટન સ્મિથ ઉપરાંત ડેવિડ વોર્નર, શોન માર્શ, હેન્ડ્સકોમ્બ અને ઉસ્માન ખ્વાજા ઇંગ્લેન્ડની બોલિંગ માટે સૌથી મોટો ખતરો બની શકે છે. જોકે, આ શ્રેણીની શરૂઆત પહેલા જ ઇજાઓએ ઓસ્ટ્રેલિયાની ટીમને ડરાવી દીધી છે. ડેવિડ વોર્નર અને શોન માર્શને પ્રેક્ટિસ દરમિયાન ઇજા થઇ હતી જેને કારણે ગ્લેન મેક્સવેલને તેમના સ્થાને સમાવેશ કરવામાં આવ્યો છે. વોર્નરે તો ઇજા હોવા છતાં એશિઝમાં ભાગ લેવા માટે તૈયારી દેખાડી છે.
ઇંગ્લેન્ડ
જો રૂટની કેપ્ટનશિપ હેઠળ ઇંગ્લેન્ડની ટીમે તાજેતરમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઇંગ્લેન્ડની પાસે બેટિંગમાં એલિસ્ટર કૂક, કેપ્ટન રૂટ, ઓલરાઉન્ડર મોઇન અલી, જોની બેરિસ્ટો છે. જ્યારે બોલિંગમાં તેમની પાસે જેમ્સ એન્ડરસન અને સ્ટુઅર્ટ બ્રોડ જેવા ફાસ્ટ બોલરો છે. આ ઉપરાંત ક્રિસ વોક્સ અને જેક બોલ પણ ઓસ્ટ્રેલિયાની બાઉન્સી વિકેટ પર પોતાનો પ્રભાવ છોડી શકે છે. જોકે, આ ટેસ્ટ શ્રેણી માટે ઇંગ્લેન્ડને સૌથી મોટી ખોટ તેમના સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોક્સની પડવાની છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની શ્રેણી દરમિયાન એક મારામારીના કેસમાં સંડોવાયેલ સ્ટોક્સની આ શ્રેણી માટે પસંદગી કરવામાં આવી નથી.