ઇસ્લામાબાદ : પાકિસ્તાનના પૂર્વ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટર ઝફર સરફરાઝનું મોત કોરોના વાયરસથી ચેપ લાગવાથી થયું છે. જિયો ટીવીએ હોસ્પિટલના સૂત્રોના હવાલેથી જણાવ્યું છે કે કોરોના વાયરસને કારણે સરફરાઝનું સોમવારે મોડી રાત્રે લેડી રીડિંગ હોસ્પિટલમાં નિધન થયું હતું. 50 વર્ષિય સરફરાઝ પાકિસ્તાનનો પહેલો પ્રોફેશનલ ક્રિકેટર છે, જેનું મૃત્યુ કોરોના વાયરસને કારણે થયું હતું.
મંગળવારે ઝફર સરફરાઝનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો અને તે છેલ્લા ત્રણ દિવસથી વેન્ટિલેટર પર હતો. ઝફર પાકિસ્તાનના આંતરરાષ્ટ્રીય ક્રિકેટર અખ્તર સરફરાઝનો ભાઈ હતો, જેણે ડિસેમ્બર 1997 થી ઓક્ટોબર 1998 દરમિયાન ચાર વનડે મેચ રમી હતી અને ચાર ઇનિંગ્સમાં 66 રન બનાવ્યા હતા. કેન્સર સામે લડતા અખ્તરનું ગયા વર્ષે પેશાવરમાં નિધન થયું હતું.
ઝફર સરફરાઝે 1988 થી 1994 ની વચ્ચે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ અને 1990 થી 1992 વચ્ચે લિસ્ટ-એ ક્રિકેટ રમ્યું હતું. પેશાવર તરફથી 15 ફર્સ્ટ ક્લાસ મેચોમાં તેણે 616 રન બનાવ્યા હતા. તે 2000 ના દાયકાના મધ્યમાં પેશાવરની વરિષ્ઠ અને અન્ડર -19 ટીમના કોચ પણ હતા.
પાકિસ્તાનના પૂર્વ સ્ક્વોશ ખેલાડી આઝમ ખાનનું 95 વર્ષની વયે કોરોનાને કારણે અવસાન થયું હતું. 1959–62 વચ્ચે તે સતત ચાર બ્રિટિશ ઓપન ટાઇટલ જીતવામાં સફળ રહ્યો હતો. તેમનું મૃત્યુ લંડનમાં થયું હતું. પાકિસ્તાનમાં કોરોનાથી અત્યાર સુધીમાં 96 લોકોએ જીવ ગુમાવ્યો છે.