નવી દિલ્હી: પાકિસ્તાનનાં ભૂતપૂર્વ ક્રિકેટર ઈન્ઝમામ-ઉલ-હકે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચને લઈને મોટું નિવેદન આપ્યું છે. ઈન્ઝામામે કહ્યું કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચ ફક્ત બે જ દિવસમાં સમાપ્ત થઈ ગઈ. પીચને જોતા મને નથી લાગતું કે ભારતીય ટીમે સારુ રમ્યું. “ઈન્ઝમામે આર.અશ્વિન અને અક્ષર પટેલની સ્પિનિંગ બોલિંગની પ્રશંસા કરવાનો પણ ઇનકાર કરી દીધો.
ઈન્ઝામામે કહ્યું, “મને યાદ નથી કે જ્યારે છેલ્લી વખત બે દિવસમાં ટેસ્ટ મેચ પૂરી થઈ. તે આશ્ચર્યજનક છે. જીતનો શ્રેય ભારતીય ટીમને આપવો ન્યાય નથી.” ઈન્ઝામામે આગળ કહ્યું, “જ્યારે ભારતે બીજી ટેસ્ટ મેચ જીતી ત્યારે મને લાગ્યું કે ટીમ સારી રીતે રમી રહી છે, પરંતુ શું આ રીતે પિચ તૈયાર કરવી એ ન્યાય છે?”
ભારતીય બોલરો પર નિશાન સાધ્યું
ઈન્ઝમામે ભારતીય બોલરો પર પણ નિશાન સાધ્યું હતું. તેણે કહ્યું, “જ્યારે ઇંગ્લેન્ડનો કેપ્ટન જો રૂટ 8 રનમાં 5 વિકેટ આપી રહ્યો છે ત્યારે તેણે અશ્વિન અને અક્ષરની પ્રશંસા કેમ કરવી જોઈએ?” તેમણે કહ્યું કે આ પીચ પર બેટિંગ કરવી સહેલી નહોતી. ઈન્ઝમામે કહ્યું કે, ભારતીય ટીમની આ જીતથી તે એટલા પ્રભાવિત નથી થયા જેટલા તે જ્યારે ઓસ્ટ્રેલિયા સાથેની છેલ્લી મેચ જીત્યા હતા.