નવી દિલ્હી : કોરોનાવાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને લોકડાઉનને દેશભરમાં 3 મે સુધી લંબાવી દેવામાં આવ્યું છે. આ ઘોષણા બાદ મંગળવારે હજારો પરપ્રાંતિય મજૂરો લોકડાઉન વચ્ચે ઘરે પરત જવા માટે મુંબઇના બાંદ્રા સ્ટેશન ખાતે એકત્ર થયા હતા. આ પછી, ટોળાને વિખેરવા પોલીસે લાઠીચાર્જ કર્યો હતો. આ કામદારોની માંગ હતી કે તેઓને તેમના ઘરે પરત જવા દેવામાં આવે. આ ઘટનાથી સમગ્ર દેશમાં ખળભળાટ મચી ગયો છે. આવી સ્થિતિમાં ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યાએ તેની પ્રતિક્રિયા આપી છે.
પંડ્યાએ ટ્વિટર પર બાંદ્રાના વેસ્ટ સ્ટેશન પર એકઠા થયેલા કામદારોનો વીડિયો શેર કરીને દરેકને વિશેષ અપીલ કરી હતી. પંડ્યાએ કહ્યું, “શાંત રહ્યો અને ઘરે રહ્યો. માત્ર આ રીતે જ આપણે આ પરિસ્થિતિમાંથી બહાર આવી શકીએ. આપણે એકબીજાને ટેકો આપીને વિશ્વાસ રાખવો પડશે.”
ઉલ્લેખનીય છે કે, પંડ્યા પહેલા ક્રિકેટર હરભજન સિંહે પણ ટ્વીટ કરીને આ બાબતે પોતાની પ્રતિક્રિયા આપીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.