સુરતના લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ પર રમાયેલી પ્રથમ ટી-20 મેચમાં ભારતીય મહિલાઓએ મુકેલા 131 રનના લક્ષ્યાંક સામે દક્ષિણ આફ્રિકાની ટીમ દીપ્તિ શર્મા અને પૂનમ યાદવની કાતિલ બોલિંગના પ્રતાપે દક્ષિણ આફ્રિકાની ટીમ લથડી પડતા તેઓ 119 રને ઓલઆઉટ થતાં ભારતીય ટીમનો 11 રને વિજય થયો હતો.
પ્લેયર ઓફ ધ મેચ દીપ્તિ શર્માની સહિતની સ્પિનરોની કાતિલ બોલિંગ સામે દક્ષિણ આફ્રિકા પરાસ્ત
131 રનના લક્ષ્યાંક સામે મેદાને પડેલી દક્ષિણ આફ્રિકાની ટીમને લિઝેલ લીએ શરૂઆત જોરદાર કરાવી હતી અને પ્રથમ બે ઓવરમાં જ બોર્ડ પર 25 રન મુકી દીધા હતા, જો કે બીજી ઓવરના અંતિમ બોલે લિઝેલ લી આઉટ થઇ હતી. તે પછી 48 રનના સ્કોર સુધીમાં તેમણે પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારત વતી દીપ્તિ શર્માએ કાતિલ બોલિંગ પ્રદર્શન કરીને પોતાની 4 ઓવરમાં 8 રન આપીને 3 વિકેટ ઉપાડી હતી જ્યારે પૂનમ યાદવે 4 ઓવરમાં 25 રન આપીને 2 વિકેટ ઉપાડી હતી. જ્યારે અંતિમ સમયે રાધા યાદવે બે વિકેટ ઉપાડી હતી. દક્ષિણ આફ્રિકા વતી મિગ્નોન ડુ પ્રીઝે અર્ધસદી ફટકારીને પોતાની ટીમને વિજયી બનાવવાના પ્રયત્ન કર્યા હતા પણ તે ફાવી શકી નહોતી. દીપ્તિ શર્માને મેચના અંતે પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઇ હતી.
દક્ષિણ આફ્રિકન ટીમે ટોસ જીતીને ફિલ્ડીંગ પસંદ કર્યા પછી પ્રથમ દાવ લેવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ઘણી ખરાબ રહી હતી અને બોર્ડ પર શૂન્ય રન હતા ત્યારે ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી નાની વયે પદાર્પણ કરવાનો રેકોર્ડ કરનારી શેફાલી વર્મા શૂન્ય રને આઉટ થઇ હતી. તે પછી બોર્ડ પર 58 રન હતા ત્યાં સુધીમાં ભારતીય ટીમે સ્મૃતિ મંધાના અને જેમિમા રોડ્રિગ્સના રૂપમાં વધુ બે વિકેટ ગુમાવી હતી. અહીંથી હરમનપ્રીતે બાજી સંભાળી હતી અને તેણે 16 બોલમાં 16 રન કરનારી દીપ્તિ શર્માની સાથે મળીને 5.5 ઓવરમાં 46 રનની મહત્વની ભાગીદારી કરી હતી. આ બંને રમતી હતી ત્યારે એવું લાગતું હતું કે સ્કોર આરામથી 150 પાર જશે પણ બંને 3 બોલના ગાળામાં આઉટ થતાં ભારતની રન ગતિ અટકી હતી અને અંતિમ પાંચ ઓવરમાં ભારતીય ટીમે માત્ર 28 રન ઉમેર્યા હતા જેની સામે 4 વિકેટ ગુમાવી હતી. અંતિમ ઓવરોમાં તાનિયા ભાટિયાએ 5 બોલમાં 11 રન કરતાં ભારતીય ટીમ 8 વિકેટે 130 રન સુધી પહોંચી હતી.