ભારતીય ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીનો કોન્ટ્રાક્ટ 2021 સુધીનો થઇ ગયો તેની સાથે જ તેની સેલેરીમાં પણ વધારો થશે. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ના સૂત્રોના જણાવ્યા અનુસાર શાસ્ત્રીની વાર્ષિક સેલેરી વધીને 10 કરોડ રૂપિયા સુધીની થઇ શકે છે. સૂત્રોના મતે શાસ્ત્રીની સેલેરીમાં 20 ટકાનો વધારો થઇ શકે છે.
એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર નવા કોન્ટ્રાક્ટ અનુસાર શાસ્ત્રીની સેલેરીમાં આ વધારો થશે. આ પહેલા શાસ્ત્રીને વાર્ષિક સેલેરી તરીકે 8 કરોડ રૂપિયા મળતા હતા, જે હવે વધીને 9.50થી 10 કરોડ સુધી થઇ શકે છે. આ વધારાને કારણે શાસ્ત્રીની સેલેરી વિરાટ કોહલી કરતાં વધી જશે કે જેને વાર્ષિક 7 કરોડ રૂપિયા મળે છે. આ સિવાય બોલિંગ કોચ ભરત અરુણ અને ફિલ્ડીંગ કોચ આર શ્રીધરને વાર્ષિક 3.5 કરોડ જ્યારે નવા બેટિંગ કોચ વિક્રમ રાઠોરને 2.5થી 3 કરોડ રૂપિયા સેલેરી તરીકે મળશે.