આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદે વર્ષ 2022માં યોજાનારા મહિલા વિશ્વકપ કાર્યક્રમને જાહેર કર્યો છે. મંગળવારે આઈસીસીએ ન્યૂઝીલેન્ડમાં યોજાનારા વન-ડે વર્લ્ડ કપનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર કર્યો હતો. ભારતીય ટીમ 6 માર્ચે ક્વોલિફાયર ટીમ સાથે પ્રથમ મેચ રમવાની છે. ટીમ ઇન્ડિયા આ ટૂર્નામેન્ટમાં કુલ 7 લીગ મેચ રમશે.
વર્ષ 2022માં રમાનારો મહિલા વિશ્વ કાર્યક્રમ રિલીઝ કરવામાં આવ્યો છે. આ ટૂર્નામેન્ટ 4 માર્ચથી 3 એપ્રિલ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં રમાશે. ટૂર્નામેન્ટની સેમિફાઇનલ વેલિંગ્ટન અને ક્રાઇસ્ટચર્ચ ખાતે રમાશે. ત્યાં જ ટૂર્નામેન્ટની મેગા ફાઇનલ મેચ પણ છે.
ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં ગ્રુપ તબક્કામાં કુલ સાત મેચ રમશે. તેમાંથી ચાર મોટી ટીમો સામે હશે. તેમાં યજમાન ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા અને ઇંગ્લેન્ડની ટીમો છે. ભારતની બાકીની ત્રણ લીગ ટૂર્નામેન્ટના ક્વોલિફાયર સામે હશે, જેનું નામ હજુ નક્કી થયું નથી.
ભારતનો સમગ્ર કાર્યક્રમ
ભારતીય ટીમ 6 માર્ચે ક્વોલિફાયર ટીમ સાથે પ્રથમ મેચ રમશે. ત્યારબાદ ટીમનો સામનો 10 માર્ચે યજમાન ન્યૂઝીલેન્ડ સામે થશે. ભારતીય ટીમ 12 માર્ચે ત્રીજી લીગ મેચમાં વધુ એક ક્વોલિફાયર ટીમ સામે રમશે. 16 માર્ચે ભારતનો સામનો ઇંગ્લેન્ડ સામે થશે જ્યારે ભારતીય ટીમ 19 માર્ચે ઓસ્ટ્રેલિયા સામે રમશે. ભારત 22 માર્ચે ક્વોલિફાયર ટીમ સામે રમશે. છેલ્લી લીગ મેચમાં ટીમ ઇન્ડિયા 27 માર્ચે દક્ષિણ આફ્રિકા સાથે રમશે.