ICC Bowler Rankings: જસપ્રીત બુમરાહનો દબદબો યથાવત, રવિન્દ્ર જાડેજા ટોપ ઓલરાઉન્ડર બન્યો
ICC Bowler Rankings ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ ICC ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે. બુમરાહ 907 રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં નંબર 1 બોલર છે. તાજેતરમાં, બુમરાહે ઓસ્ટ્રેલિયા સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં શાનદાર બોલિંગ પ્રદર્શન કર્યું હતું, જેમાં તેણે શ્રેણીમાં સૌથી વધુ વિકેટ લીધી હતી અને પ્લેયર ઓફ ધ સિરીઝનો એવોર્ડ પણ જીત્યો હતો. આ પ્રદર્શન પછી, બુમરાહના રેન્કિંગમાં કોઈ ફેરફાર થયો નથી અને તે હજુ પણ ટોચ પર છે.
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ૮૪૧ રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે.
ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકાના ફાસ્ટ બોલર કાગીસો રબાડા છે, જેમના 837 રેટિંગ પોઈન્ટ છે. વેસ્ટ ઈન્ડિઝ સામે શાનદાર પ્રદર્શન કરનાર પાકિસ્તાની બોલર નૌમાન અલીનો પણ આ યાદીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. હવે નોમાન અલી ટોપ-૧૦ બોલરોમાં સામેલ થઈ ગયા છે અને તેમના ૭૬૧ રેટિંગ પોઈન્ટ છે.
ભારતના રવિન્દ્ર જાડેજાએ નવીનતમ ICC રેન્કિંગમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે. જાડેજા ૪૦૦ રેટિંગ પોઈન્ટ સાથે ટેસ્ટ ક્રિકેટમાં ટોચના ઓલરાઉન્ડર તરીકે યથાવત છે. તેમણે સતત શાનદાર પ્રદર્શન કરીને આ સ્થાન પર પોતાની પકડ મજબૂત બનાવી છે. દક્ષિણ આફ્રિકાના માર્કો જેનસેન 294 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને છે, જ્યારે બાંગ્લાદેશના મેહદી હસન મિરાઝ 263 રેટિંગ પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે.
આ રેન્કિંગ દર્શાવે છે કે ભારતીય ખેલાડીઓએ ટેસ્ટ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કર્યું છે અને હવે તેઓ વૈશ્વિક સ્તરે અગ્રણી સ્થાન ધરાવે છે. જસપ્રીત બુમરાહ અને રવિન્દ્ર જાડેજાનું આ રેન્કિંગ તેમના સતત પ્રદર્શન અને ટીમ ઈન્ડિયાની સફળતાને પણ દર્શાવે છે.