ICC Champions Trophy 2025: જ્યારે ભારતે પાકિસ્તાન જવાની ના પાડી, ત્યારે હોબાળો થયો
ICC Champions Trophy 2025: ભારતે 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાન જવાની ના પાડી દીધી છે. આ પછી પીસીબી હવે મોટો નિર્ણય લઈ શકે છે. જાણો હવે આ મામલે શું છે લેટેસ્ટ અપડેટ.
ICC Champions Trophy 2025: BCCIએ 2025ની ચેમ્પિયન્સ ટ્રોફી અંગે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. બીસીસીઆઈએ આઈસીસીને કહ્યું છે કે ટીમ ઈન્ડિયા કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાન નહીં જાય. આ માટે ભારતીય બોર્ડે સુરક્ષા કારણો દર્શાવ્યા છે. ભારતે પાકિસ્તાન જવાનો ઈન્કાર કર્યા બાદ PCBમાં ખળભળાટ મચી ગયો છે. અહેવાલ મુજબ, ભારતે પાકિસ્તાનની મુલાકાત લેવાનો ઇનકાર કર્યા પછી, PCB અધ્યક્ષ મોહસિન નકવીએ ભાવિ કાર્યવાહી અંગે ચર્ચા કરવા વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે વાતચીત શરૂ કરી છે.
પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે,
“મોહસીન નકવી, જેઓ સંઘીય આંતરિક મંત્રી પણ છે, સરકારી અધિકારીઓના સંપર્કમાં છે અને હવે અમે રાહ જોઈ રહ્યા છીએ કે વડાપ્રધાન શાહબાઝ શરીફ શું સૂચના આપે છે.” તમને જણાવી દઈએ કે PCB ચીફ પહેલાથી જ હાઇબ્રિડ મોડલમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન કરવાનો ઇનકાર કરી ચુક્યા છે.
પીસીબીના અધિકારીએ ભારતના પાકિસ્તાન આવવાના ઇનકાર પર નિરાશા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું, “આ અસ્વીકાર્ય છે, કારણ કે ભારત પાસે તેની ટીમને ફરીથી પાકિસ્તાન મોકલવાની ના પાડવાનું કોઈ તાર્કિક કારણ નથી. ઈવેન્ટની તૈયારીઓ શેડ્યૂલ મુજબ ચાલી રહી છે અને અમે આઈસીસીને ભારત સહિત તમામ ટીમોને પહેલાથી જ જાણ કરી દીધી છે. શ્રેષ્ઠ સુરક્ષા વ્યવસ્થાની ખાતરી આપવામાં આવી છે.”
અધિકારીએ સ્વીકાર્યું કે જો ભારત સામેની તમામ મેચોનો બહિષ્કાર કરવા પર કડક વલણ અપનાવવામાં આવશે તો પાકિસ્તાનને આર્થિક નુકસાન થશે, પરંતુ કહ્યું કે તેઓ આવી સ્થિતિ માટે તૈયાર છે. દરમિયાન, પાકિસ્તાનમાં એવી અટકળો ચાલી રહી છે કે જ્યાં સુધી ભારત સરકાર તેની મંજૂરી ન આપે ત્યાં સુધી દેશની સરકાર PCBને ચેમ્પિયન્સ ટ્રોફીથી શરૂ થતી કોઈપણ ICC અથવા અન્ય મલ્ટી-ટીમ ઈવેન્ટ્સમાં ભારત સામે રમવાનું બંધ કરવાનો નિર્દેશ આપી શકે છે.
ભારતના નિર્ણય પર પાકિસ્તાનના ઘણા પૂર્વ ક્રિકેટરોએ નિરાશા વ્યક્ત કરી છે. પાકિસ્તાનના ભૂતપૂર્વ ટેસ્ટ કેપ્ટન રાશિદ લતીફ, જાવેદ મિયાંદાદ અને ઈન્ઝમામ ઉલ હક જેવા દિગ્ગજોએ ભારતના નિર્ણય પર નિરાશા વ્યક્ત કરી છે.
2025ની ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થવાની છે. તેની ફાઈનલ મેચ 9 માર્ચના રોજ રમાવાની છે. આ ટુર્નામેન્ટ પાકિસ્તાનમાં શરૂ થવાની છે, પરંતુ તે હાઇબ્રિડ મોડલમાં રમી શકાય છે. રિપોર્ટ અનુસાર, બીસીસીઆઈએ સુરક્ષા કારણોને ટાંકીને ટીમ ઈન્ડિયાને પાકિસ્તાન મોકલવાનો સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે.