ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) એ બુધવારે ટેસ્ટ ખેલાડીઓની રેન્કિંગ જાહેર કરી છે. ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીએ ફરી ટોપ-10માં પ્રવેશ કર્યો છે. કોહલી ચાર સ્થાન ચઢીને નવમા સ્થાને પહોંચી ગયો છે. હાલમાં તેના 761 રેટિંગ પોઈન્ટ છે. સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટમાં તેણે 38 અને 76 રનની ઇનિંગ્સ રમી હતી. કેપ્ટન રોહિત શર્માને ચાર સ્થાનનું નુકસાન થયું છે. તે 10માથી 14મા ક્રમે આવી ગયો છે. તેને 719 માર્કસ છે. સેન્ચુરિયન ટેસ્ટમાં રોહિતે બેટિંગ કરી ન હતી. તેણે પ્રથમ દાવમાં 5 રન બનાવ્યા હતા જ્યારે બીજી ઈનિંગમાં શૂન્ય પર પેવેલિયન પરત ફર્યો હતો.
દક્ષિણ આફ્રિકાના કાર્યકારી કેપ્ટન ડીન એલ્ગર ટોપ-20માં પ્રવેશી ગયો છે. તે 19 સ્થાનની છલાંગ લગાવીને 17માં સ્થાને પહોંચી ગયો છે. એલ્ગરે પ્રથમ ટેસ્ટમાં 185 રનની ઇનિંગ રમી હતી અને દક્ષિણ આફ્રિકાને જંગી સ્કોર બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારત આ મેચ ઇનિંગ્સ અને 32 રને હારી ગયું હતું. એલ્ગર તેની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ શ્રેણી રમી રહ્યો છે. ન્યૂઝીલેન્ડનો દિગ્ગજ બેટ્સમેન કેન વિલિયમસન (864 પોઈન્ટ) ટોપ પર યથાવત છે. આ યાદીમાં તેના પછી ઈંગ્લેન્ડનો જો રૂટ (859), ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ (820), ન્યુઝીલેન્ડનો ડેરીલ મિશેલ (786) આવે છે. કાંગારૂ ઓપનર ઉસ્માન ખ્વાજા (785) પાંચમા સ્થાને અને પાકિસ્તાનનો બાબર આઝમ (782) છઠ્ઠા સ્થાને સરકી ગયો છે.
ટેસ્ટ બોલરોની રેન્કિંગની વાત કરીએ તો ભારતનો જસપ્રીત બુમરાહ સર્વશ્રેષ્ઠ બન્યો છે. એક વર્ષથી વધુ સમય બાદ ટેસ્ટ રમવા માટે પરત ફરેલ બુમરાહ પાંચમા સ્થાને આવી ગયો છે. તેને 767 માર્કસ છે. તેણે શાનદાર બોલિંગ કરી અને સેન્ચુરિયનમાં ચાર વિકેટ લીધી. રવિચંદ્રન અશ્વિન (872) ટોચ પર છે જ્યારે રવિન્દ્ર જાડેજા (774) ચોથા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર કાગિસો રબાડા (854) બીજા સ્થાને અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ (841) ત્રીજા સ્થાને છે. દક્ષિણ આફ્રિકાના માર્કો જોન્સન (618) ત્રણ સ્થાનની છલાંગ લગાવીને 22મા સ્થાને પહોંચી ગયા છે.