નવી દિલ્હી : આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) વ્યસ્ત શેડ્યૂલ પર સમય બચાવવા માટે 2023 થી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ચાર દિવસીય મેચોને ફરજિયાત બનાવવાની વિચારણા કરી રહી છે. આઇસીસી ક્રિકેટ કમિટી 2023-2031 સીઝન માટે ટેસ્ટ મેચને ઔપચારિક રીતે પાંચને બદલે ચાર દિવસની કરવા પર વિચારણા કરશે.
ઇએસપીએનક્રિકઇન્ફો મુજબ, આ વિચાર પાછળ અનેક કારણો છે, જેમાં આઈસીસી વધુ વૈશ્વિક સ્પર્ધાઓનું આયોજન કરવા માંગે છે અને બીસીસીઆઈએ પણ આ સિઝનમાં વધુ દ્વિપક્ષીય મેચની માંગ કરી છે. આ સિવાય ટી -20 લીગ આખી દુનિયામાં ફેલાઈ રહી છે અને પાંચ દિવસીય મેચની હોસ્ટિંગ માટેનો ખર્ચ પણ શામેલ છે.
જો ચાર-દિવસીય ટેસ્ટ મેચ 2015-2023 સીઝનમાં રમાય હોત, તો રમત 335 દિવસ થયા હોત. ચાર દિવસની ટેસ્ટ એ કોઈ નવી કલ્પના નથી. આ વર્ષની શરૂઆતમાં ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ વચ્ચે ચાર દિવસીય ટેસ્ટ રમાઈ હતી. આ અગાઉ 2017 માં, દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે આવી જ મેચ રમ્યા હતા.