નવી દિલ્હી : બ્રિસ્બેન ટેસ્ટના છેલ્લા દિવસે ભારતે યજમાન ઓસ્ટ્રેલિયાને બેકફૂટ પર ધકેલી દીધું છે. 21 વર્ષીય ઓપનર શુભમન ગિલ, શાનદાર બેટિંગ કરીને ઓસ્ટ્રેલિયાની જીતવાની સંભાવનાને લગભગ દૂર કરી દીધી છે. ગિલે 91 રનની શાનદાર ઇનિંગ્સ રમી હતી. આ શાનદાર ઇનિંગની મદદથી ગિલે સુનીલ ગાવસ્કરનો મોટો રેકોર્ડ તોડ્યો છે.
ચોથી ઇનિંગ્સમાં અડધી સદી ફટકારનાર શુભમન ગિલ સૌથી યુવા ઓપનર બન્યો છે. ગિલે બ્રિસ્બેનના ગાબા આંતરરાષ્ટ્રીય સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર અડધી સદી ફટકારી હતી. મંગળવારે, મેચના પાંચમા દિવસે, ગિલે જોસ હેઝલવુડના શોટ પર બે રન ચોરી અર્ધસદી પૂર્ણ કરી, ત્યારે તેની ઉંમર 21 વર્ષ અને 133 દિવસ હતી.
ગિલ પહેલાં, આ રેકોર્ડ ભારતના મહાન ઓપનર સુનીલ ગાવસ્કરના નામે હતો, જેમણે 1970-71માં પોર્ટ ઓફ સ્પેનમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની તેની ડેબ્યૂ મેચમાં અણનમ 67 રન બનાવ્યા હતા.
ગિલે મેલબોર્ન ટેસ્ટથી ડેબ્યૂ કર્યું હતું અને તેણે અત્યાર સુધીમાં 45, 25, 50, 31, 7 અને 91 રનની ઇનિંગ્સ રમી છે. ગિલ તેની પ્રથમ શ્રેણીમાં 50 થી વધુની સરેરાશથી 251 રન બનાવવામાં સફળ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની શ્રેણી 1-1થી બરાબર છે. ભારતને છેલ્લી ટેસ્ટમાં જીતવા 328 રનનો પડકાર મળ્યો છે.