ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરિઝનની પ્રથમ ટી-20માં ટીમ ઇન્ડિયાએ હારનો સામનો કરવો પડ્યો હતો. ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાએ ભારતને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યુ હતુ. બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 208 રન બનાવ્યા હતા જેને ઓસ્ટ્રેલિયન ટીમે 19.2 ઓવરમાં જ મેળવી લીધો હતો. આ દરમિયાન મેચમાં ભારત તરફથી ખરાબ બોલિંગ અને ખરાબ ફિલ્ડિંગ જોવા મળી હતી, જેને કારણે ટીમ ઇન્ડિયાના પૂર્વ કોચ રવિ શાસ્ત્રીની પણ ટિકાનો સામનો કરવો પડ્યો છે.
પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કોચ રવિ શાસ્ત્રી સહિત કેટલાક દિગ્ગજ ભારતીય ટીમની ફિલ્ડિંગ જોઇને ચોકી ગયા હતા. રવિ શાસ્ત્રીએ ટી-20 મેચ બાદ ઓન એર કહ્યુ, આજે હું જે વસ્તુથી નારાજ છું, તે ભારતીય ટીમની ફિલ્ડિંગ છે. જો ભારતે ટોચની ટીમોને હરાવવી છે તો તેમાં કેટલોક બદલાવ કરવાની જરૂરત છે. જ્યારે ફિલ્ડિંગની વાત આવે છે તો મને લાગે છે કે ફિલ્ડિંગ મામલે આ ટીમ બીજી ટોપ ટીમ સાથે મેળ ખાતી નથી કારણ કે તમે મેદાનમાં ચારે તરફ જોવો છો તો પ્રતિભા ક્યા છે? તમારી પાસે જાડેજા નથી. તમારી પાસે એક્સ ફેક્ટર નથી.
ફિલ્ડિંગના મુકાબલામાં વર્તમાન ટીમમાં હજુ પણ કમી છે.મહત્વપૂર્ણ છે કે ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં ઓપનિંગ કરવા આવેલા કેમરૂન ગ્રીન જ્યારે 43 રન પર હતો ત્યારે હાર્દિક પંડ્યાના બોલ પર અક્ષર પટેલે કેમરૂન ગ્રીનનો કેચ છોડી દીધો હતો. પોતાની ઇનિંગમાં ગ્રીને 30 બોલમાં 61 રન ફટકાર્યા હતા.
તે બાદ બોલિંગ કરવા આવેલા અક્ષર પટેલની બોલ પર સ્ટીવ સ્મિથે બોલને લૉન્ગ ઓન તરફ માર્યો હતો જ્યા કેએલ રાહુલે તેનો કેચ છોડી દીધો હતો. તે સમયે સ્મિથ 15 બોલમાં 19 રને રમતમાં હતો, જે બાદ સ્મિથે 145.83ના સ્ટ્રાઇક રેટથી 35 રન બનાવ્યા હતા. અંતમાં જ્યારે હર્ષલ પટેલ 18મી ઓવર કરવા આવ્યો તો બીજા બોલ પર વિસ્ફોટક બેટ્સમેન મેથ્યૂ વેડનો કેચ હર્ષલ પટેલના હાથે છૂટી ગયો હતો, તે સમયે મેથ્યૂ વેડ 14 બોલમાં 23 રન પર રમતમાં હતો. જોકે, આ કેચ આસાન નહતો, કેચ છૂટ્યા બાદ મેથ્યૂ વેડે 7 બોલમાં 22 રન ફટકાર્યા હતા અને મેચને ઓસ્ટ્રેલિયાની ઝોલીમાં નાખી દીધી હતી.