અમદાવાદ : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી ચાર ટેસ્ટ મેચની સિરીઝની અંતિમ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને 25 રનથી હરાવ્યું હતું. આ જીત સાથે ભારતે ટેસ્ટ મેચની સિરીઝ 3 – 1થી જીતી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો. ભારતની જીતના હીરો અશ્વિન અને અક્ષર પટેલ હતા, જેમણે બીજી ઇનિંગમાં 5-5 વિકેટ લીધી હતી.
ઇંગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેંડ પ્રથમ દાવમાં 205 રન બનાવી શક્યું હતું. ભારતે પ્રથમ દાવમાં 365 રન બનાવ્યા હતા અને 160 રનની લીડ લીધી હતી, પરંતુ ઇંગ્લેન્ડની ટીમ બીજી ઇનિંગમાં 54.5 ઓવરમાં 135 રન જ બનાવી શકી હતી અને ઇનિંગ્સનો પરાજયનો સામનો કરવો પડ્યો હતો.
ઇંગ્લેન્ડ તરફથી ડેનિયલ લોરેન્સ 95 બોલમાં છ ચોગ્ગાની મદદથી 50 અને કેપ્ટન જો રૂટે ત્રણ ચોગ્ગાની મદદથી 72 દડામાં 30 રન બનાવ્યા હતા. આ ઉપરાંત ઓલી પોપે 15 અને બેન ફોક્સે 13 રન બનાવ્યા હતા.
ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પહોંચ્યું
આ જીતની સાથે જ ભારત વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચી ગયું છે જ્યાં તેનો મુકાબલો ન્યુઝીલેન્ડ સાથે થશે. આ વર્ષે 18 થી 22 જૂન દરમિયાન ઈંગ્લેન્ડના લોર્ડ્સના મેદાન પર અંતિમ મેચ રમવામાં આવશે.
આ શ્રેણીની પહેલી ટેસ્ટ ચેન્નાઇમાં રમાઈ હતી, જેને ઇંગ્લેન્ડે 1-0થી લીડ મેળવીને જીત મેળવી હતી પરંતુ ચેન્નાઇમાં જ રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતે બરાબરી મેળવી હતી. આ પછી, ભારત અમદાવાદ તરફ વળ્યું હતું અને ડે-નાઈટ ટેસ્ટમાં ઇંગ્લેંડને હરાવીને 2-1ની લીડ મેળવી હતી. હવે ભારતે પણ બીજી જીત સાથે સિરીઝ જીતી અને ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલમાં પણ તેના સ્થાનની પુષ્ટિ કરી.