IND vs ENG Edgbaston Test: ભારત માટે ઐતિહાસિક જીતનો મોકો, શુભમન ગિલ માટે કૅપ્ટન તરીકે મહત્વપૂર્ણ તક
IND vs ENG Edgbaston Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીની બીજી મેચ 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન મેદાન પર રમાવાની છે. ભારત માટે આ મેચ માત્ર શ્રેણી સમતોલ કરવાની તક નથી, પણ એજબેસ્ટનમાં 58 વર્ષથી ચાલતી હારની પરંપરાને તોડવાની પણ છે. ભારતે આ મેદાન પર અત્યાર સુધી 8 ટેસ્ટ મેચો રમી છે, જેમાંથી 7માં હાર મળી છે અને માત્ર 1 મેચ ડ્રો રહી છે. છેલ્લી હાર 2022માં મળી હતી જ્યારે ટીમ ઇન્ડિયા જસપ્રીત બુમરાહની આગેવાનીમાં 7 વિકેટથી પરાજિત થઈ હતી.
એજબેસ્ટનનો કાળો ઈતિહાસ
ભારતે 1967માં એજબેસ્ટનમાં પહેલી ટેસ્ટ રમી હતી અને ત્યારથી ભારતને આ મેદાન પર જીત મળી નથી. અત્યાર સુધી ઘણા દિગ્ગજ કેપ્ટન્સ જેમ કે પટૌડી, ધોની, કોહલી અને દ્રવિડે અહીં જીત મેળવી નથી. 1986માં કપિલ દેવની આગેવાનીમાં મેચ ડ્રો રહી હતી, જે ભારત માટે આ મેદાન પરનો એકમાત્ર હાર ન હોવાનો રેકોર્ડ છે.
પહેલી ટેસ્ટમાં ભારતની મુશ્કેલીઓ
શ્રેણીની પહેલી ટેસ્ટ લીડ્સ ખાતે રમાઈ હતી, જેમાં ભારતે પ્રથમ ઇનિંગમાં માત્ર 105 રન બનાવી શક્યા હતા. જો કે ભારતીય બાઉલર્સે ઇંગ્લેન્ડને 353 રન પર રોકીને મેચમાં વાપસી કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી ઇનિંગમાં કેએલ રાહુલની શાનદાર સદી (137) અને યશસ્વી જયસ્વાલ સાથેની ભાગીદારીના દમ પર ભારતે 423 રન બનાવીને ઇંગ્લેન્ડ સામે 371 રનનો લક્ષ્યાંક મુક્યો હતો. તેમ છતાં, ઇંગ્લેન્ડના બેટર્સ ડકેટ (149), ક્રાઉલી (65) અને રૂટ (53)ના બહોળા યોગદાનથી લક્ષ્ય હાંસલ કરી લીધો અને 5 વિકેટથી જીત મેળવી.
ગિલ માટે ઈતિહાસ રચવાનો મોકો
આ શ્રેણીમાં પહેલીવાર ભારતીય ટીમની કમાન શુમભન ગિલ સંભાળી રહ્યો છે. પહેલી ટેસ્ટમાં તેની કૅપ્ટન્સી નોંધપાત્ર ન રહી હતી, પરંતુ બીજી ટેસ્ટમાં તે પોતાને સાબિત કરી શકે છે. જો ભારત એજબેસ્ટનમાં જીતે છે, તો ગિલ એ મેદાન પર જીત મેળવનાર પ્રથમ ભારતીય કૅપ્ટન બનશે—એવું સિદ્ધિ જે ધોની, કોહલી કે ગાંગુલી પણ ન મેળવી શક્યા.
લાઈવ મેચ જોવાની માહિતી
આ મેચ 2 જુલાઈથી દરરોજ સવારે 3:30 વાગ્યે શરૂ થશે. ભારતીય દર્શકો માટે મેચની લાઈવ કવરેજ ટીવી પર સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્ક પર અને ઓનલાઈન ડિઝની+ હોટસ્ટાર પર ઉપલબ્ધ રહેશે.