નવી દિલ્હી : ઇંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ચાર ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર વાપસી કરી છે. બીજી ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 317 રને હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાને ત્રીજી ટેસ્ટ પહેલા મોટી રાહત મળશે. અહેવાલો અનુસાર સ્ટાર ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ત્રીજી ટેસ્ટ માટે ટીમમાં વાપસી કરી શકે છે. આ સિવાય નવદીપ સૈનીની પણ ટીમમાં પસંદગી કરવામાં આવી છે.
બીસીસીઆઈએ ઇંગ્લેન્ડ સામે રમાનારી છેલ્લી બે ટેસ્ટ મેચ માટે ટીમની ઘોષણા કરવાની બાકી છે. અંગ્રેજી અખબાર ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ મોહમ્મદ શમી તેની કાંડાના ફેક્ચરમાંથી સ્વસ્થ થઈ ગયો છે. શમીએ છેલ્લા 10 દિવસથી બોલિંગની પ્રેક્ટિસ પણ શરૂ કરી દીધી છે. જો કે, શમીને જૂની લય ફરીથી મેળવવા માટે થોડો વધુ સમય લાગી શકે છે.
ટીમમાં મોહમ્મદ શમીની પસંદગી મર્યાદિત ઓવરની શ્રેણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. બાકીની બે ટેસ્ટમાં રમવાની મોહમ્મદ શમીની સંભાવના ઓછી છે. પરંતુ ટીમમાં સામેલ થયા પછી શમીને પ્રેક્ટિસની વધુ સારી તક મળશે અને તે મર્યાદિત ઓવર સિરીઝ માટે પોતાની સંપૂર્ણ ફિટનેસ ફરીથી મેળવી શકશે.