IND vs ENG ઈંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન લક્ષ્મણની હાજરીથી અફવાઓને ઉછાળો, BCCIએ આપ્યું સ્પષ્ટીકરણ
IND vs ENG ટીમ ઈન્ડિયાના હાલના મુખ્ય કોચ ગૌતમ ગંભીરના ભારત પાછા ફર્યા બાદ પૂર્વ ખેલાડી અને NCA (નૅશનલ ક્રિકેટ એકેડેમી)ના વડા વીવીએસ લક્ષ્મણની લંડનમાં હાજરીએ ચર્ચા ગરમાવી દીધી છે. કેટલાક અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું કે લક્ષ્મણ હેડિંગ્લી ટેસ્ટ માટે તાત્કાલિક મુખ્ય કોચ તરીકે ફરજ બજાવી શકે છે. જોકે હવે BCCIએ આ અહેવાલોને લઇને સ્પષ્ટતા આપી છે.
વીવીએસ લક્ષ્મણ ઈંગ્લેન્ડમાં કોચ તરીકે નહીં જોડાય
ક્રિકબઝના અહેવાલ અનુસાર, વીવીએસ લક્ષ્મણ ઈંગ્લેન્ડ કોઈ સત્તાવાર BCCI કામ માટે ગયા નથી. તેઓ વ્યક્તિગત કામ માટે સ્વિટ્ઝરલૅન્ડના લુઝેન બાદ લંડન પહોંચ્યા હતા. લક્ષ્મણે ઈંગ્લેન્ડમાં ઈન્ટ્રા-સ્ક્વોડ મેચ જોઈ હતી અને કેટલાક સપોર્ટ સ્ટાફ સાથે મુલાકાત પણ કરી હતી, પરંતુ તેમની ટીમ ઈન્ડિયામાં જોડાવાની કોઈ સત્તાવાર જવાબદારી નથી.
VVS Laxman has been seen with and around the Indian team in England over the past two days but it is more in personal capacity than in an official role. Gautam Gambhir, meanwhile, will rejoin the team before the first Test. @cricbuzz https://t.co/5PwPpwb5fA
— Vijay Tagore (@vijaymirror) June 15, 2025
BCCIના સૂત્રોએ પણ આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું કે લક્ષ્મણ હેડિંગ્લી ટેસ્ટ કે અન્ય કોઈ મેચમાં કોચ તરીકે ફરજ બજાવવાના નથી. તેઓ શિબિરનો ભાગ પણ નથી અને તાત્કાલિક રૂપે કોઈ બેકઅપ કોચ તરીકે તેમની નિમણૂક થઈ નથી.
ગૌતમ ગંભીર ટૂંક સમયમાં ટીમ સાથે જોડાઈ શકે
ભારતના મુખ્ય કોચ ગૌતમ ગંભીર પોતાની માતાની તબિયતના કારણે હાલમાં દેશમાં છે. તેમની માતાને ICUમાં દાખલ કરવામાં આવ્યા બાદ તેઓ ઈંગ્લેન્ડ પ્રવાસમધ્યે ભારત પરત ફર્યા હતા. તાજેતરના અહેવાલો અનુસાર તેમની માતાની તબિયત હવે સુધરી રહી છે અને શક્યતા છે કે ડોકટરોની સલાહ બાદ ગંભીર આગામી દિવસોમાં ફરીથી ટીમ સાથે જોડાઈ જશે.
ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચ 20 જૂનથી હેડિંગ્લી, લીડ્સ ખાતે રમાશે. એવી અપેક્ષા છે કે ગંભીર સમયસર લંડન પહોંચી જશે અને ટીમ ઈન્ડિયાની કમાન ફરીથી સંભાળી લેશે.