એશિયા કપની બીજી મેચમાં રવિવારે ભારત અને પાકિસ્તાન ટકરાશે. આ મેચ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં પાકિસ્તાનની આખી ટીમ બ્લેક બેન્ડ પહેરીને રમવા આવશે. પાકિસ્તાનમાં પૂર પીડિતો માટે એકતા અને સમર્થન દર્શાવવા ખેલાડીઓ આ કરશે. પાકિસ્તાનમાં ભૂતકાળમાં થયેલા ચોમાસાના વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે ભારે વિનાશ સર્જાયો હતો. પાકિસ્તાનમાં છેલ્લા 24 કલાકમાં પૂરના કારણે 119 લોકોએ જીવ ગુમાવ્યા છે. સિંધ પ્રાંતમાં સૌથી વધુ 76 લોકોના મોત થયા છે. આ સિવાય ખૈબર પખ્તુનખ્વામાં 31, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 6 અને બલૂચિસ્તાનમાં 4 લોકોએ જીવ ગુમાવ્યા છે. પાકિસ્તાનની નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ આ જાણકારી આપી છે.
હાલમાં પાકિસ્તાનના 110 જિલ્લા પૂરની ઝપેટમાં છે. 72 જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થયા છે. એક અનુમાન મુજબ પાકિસ્તાનમાં પૂરના કારણે 3 કરોડથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આ દુર્ઘટનામાં સાડા 9 લાખ મકાનો સંપૂર્ણપણે નાશ પામ્યા છે. તેમાંથી 6.50 લાખ મકાનોને આંશિક નુકસાન થયું છે. આ દરમિયાન પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમે પણ પૂર પીડિતો માટે મદદની જાહેરાત કરી છે. તેણે ભારત સામેની મેચ પહેલા પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે આ સમયે પાકિસ્તાનમાં લોકો મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે અને આવા સમયે અમે અમારા લોકો સાથે ઉભા છીએ અને એક ટીમ તરીકે અમે આ આફતની ઘડીમાં લોકોની મદદ કરીશું.
જ્યાં સુધી ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચની વાત છે તો બંને ટીમો જીતવા માટે શ્રેષ્ઠ પ્રયાસ કરશે. આ બંને ટીમો છેલ્લી વખત ઓક્ટોબર 2021માં T20 વર્લ્ડ કપમાં સામસામે આવી હતી, ત્યારે પાકિસ્તાને ભારતને 10 વિકેટથી હરાવ્યું હતું. તે મેચમાં શાહીન આફ્રિદીએ રોહિત શર્મા, વિરાટ કોહલી અને કેએલ રાહુલને આઉટ કરીને ભારતીય ટોપ ઓર્ડરનો નાશ કર્યો હતો. આ કારણે ભારતીય ટીમ મોટો સ્કોર બનાવી શકી ન હતી અને બાદમાં બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાનની જોડીએ એકપણ વિકેટ ગુમાવ્યા વિના જીતનો લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
જોકે આ વખતે ઈજાના કારણે શાહીન આફ્રિદી આ મેચમાં નહીં રમે. તે જ સમયે, ભારત તરફથી જસપ્રીત બુમરાહ પણ ઈજાના કારણે એશિયા કપનો ભાગ નથી.
એશિયા કપમાં પાકિસ્તાન સામે ભારતની આ 15મી મેચ હશે. હવે 14 મેચમાંથી ભારતે 8 જ્યારે પાકિસ્તાને પાંચમાં જીત મેળવી છે. એક મેચ અનિર્ણિત છે. ભારત સૌથી વધુ વખત એશિયા કપ જીત્યું છે.