IND vs SL: ભારત સામે રમાનારી T20 શ્રેણી પહેલા, શ્રીલંકાને બે આંચકાઓનો સામનો કરવો પડ્યો હતો. હવે ટીમને ત્રીજો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલરને અચાનક હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.
IND vs SL ભારત અને શ્રીલંકા વચ્ચે આજથી એટલે કે શનિવાર,
27 જુલાઈથી 3 મેચની T20 શ્રેણી રમવાની છે. પરંતુ, આ શ્રેણી પહેલા શ્રીલંકન ટીમની મુશ્કેલીઓ વધી ગઈ છે. ટીમના સ્ટાર ફાસ્ટ બોલર બિનુરા ફર્નાન્ડોને છાતીમાં ચેપ લાગવાને કારણે હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો. ભારત સામેની ટી20 શ્રેણી પહેલા શ્રીલંકાને આ ત્રીજો આંચકો લાગ્યો છે. આ પહેલા ટીમના બે ઝડપી બોલર શ્રેણીમાંથી બહાર થઈ ચૂક્યા છે.
જોકે બિનુરા ફર્નાન્ડો ટી20 શ્રેણીમાંથી બહાર નથી.
તે પ્રથમ મેચ ચૂકી શકે છે. બિનુરાના સ્થાને ઓલરાઉન્ડર રમેશ મેન્ડિસને સ્ટેન્ડબાય પ્લેયર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શ્રીલંકા બોર્ડે સોશિયલ મીડિયા દ્વારા ફર્નાન્ડોના હોસ્પિટલમાં દાખલ થવાની માહિતી આપી હતી.
https://twitter.com/OfficialSLC/status/1816859356518027419
બે બોલર પહેલાથી જ આઉટ થઈ ગયા છે
તમને જણાવી દઈએ કે ટીમના સ્ટાર બોલર નુવાન તુશારા અને દુષ્મંથા ચમીરા પહેલાથી જ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. હવે જો બિનુરા ફર્નાન્ડો પણ આખી સિરીઝ નહીં રમે તો શ્રીલંકાના કુલ ત્રણ બોલર ભારત સામેની T20 સિરીઝમાંથી બહાર થઈ જશે, જે એક મોટો ફટકો સાબિત થશે.
બંને ટીમો નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે
ભારત અને શ્રીલંકાની ટીમ ટી20 સીરીઝ માટે નવા કેપ્ટન સાથે મેદાનમાં ઉતરશે. અહીં સૂર્યકુમાર યાદવને ભારતનો T20 કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા ટી-20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થઈ ગયો છે, ત્યારબાદ સૂર્યાને કમાન સોંપવામાં આવી છે. બીજી તરફ ચરિથ અસલંકાને શ્રીલંકાની T20 ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ પહેલા ઓલરાઉન્ડર વાનિન્દુ હસરંગા શ્રીલંકાની T20 ટીમની કમાન સંભાળી રહ્યો હતો.
T20 બાદ વનડે શ્રેણી રમાશે
નોંધનીય છે કે ટી-20 બાદ ભારત અને શ્રીલંકા વચ્ચે વનડે શ્રેણી પણ રમાશે. 27મી જુલાઈથી શરૂ થનારી ટી20 સિરીઝની છેલ્લી મેચ 30મી જુલાઈએ રમાશે. ત્યારબાદ આ પછી 02 ઓગસ્ટથી ODI સિરીઝ શરૂ થશે જે 07 ઓગસ્ટના રોજ સમાપ્ત થશે.