ગુવાહાટી : 2020ની પ્રથમ ટી – 20 ઇન્ટરનેશનલ મેચ આજે (5 જાન્યુઆરી) ભારત અને શ્રીલંકા વચ્ચે રમાશે. મેચ ગુવાહાટીમાં સાંજે 7 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ આ મેચમાં ચાર ફેરફાર સાથે પ્રવેશી શકે છે. ઈજાના કારણે બહાર રહેલા જસપ્રિત બુમરાહ અને શિખર ધવન પ્લેઇંગ ઇલેવન (XI)માં પાછા ફરવાની અપેક્ષા છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની સિરીઝની આ પહેલી મેચ છે. હવે પછીની બે મેચ 7 અને 10 જાન્યુઆરીએ યોજાશે.
ભારત અને શ્રીલંકા બંને આ વર્ષની શરૂઆત જીત સાથે કરવા માગે છે. ભારતીય ટીમે આ સિરીઝ માટે તેના બે ખેલાડીઓ રોહિત શર્મા અને મોહમ્મદ શમીને આરામ આપ્યો છે. ભુવનેશ્વર કુમાર પણ સિરીઝમાંથી બહાર છે. આ ત્રણેય ખેલાડીઓ ભારતની છેલ્લી ટી – 20 મેચમાં રમ્યા હતા. એટલે કે, ટીમમાં ઓછામાં ઓછા ત્રણ ફેરફાર નક્કી જ છે.
ભારતીય ટીમ પ્લેઈંગ ઇલેવનમાં રોહિત શર્મા, મોહમ્મદ શમી અને ભુવનેશ્વરની જગ્યાએ અનુક્રમે શિખર ધવન, જસપ્રિત બુમરાહ અને નવદીપ સૈની અથવા શાર્દુલ ઠાકુરની પસંદગી કરી શકે છે. વેસ્ટ ઇન્ડીઝ સામેની છેલ્લી મેચમાં ભારતે બે સ્પિનરો વોશિંગટન સુંદર અને કુલદીપ યાદવને રમાડ્યા હતા. આ વખતે ભારતીય ટીમ યુઝવેન્દ્ર ચહલને તક આપી શકે છે. જો આવું થાય, તો કુલદીપને બહાર બેસવું પડી શકે છે.