નવી દિલ્હી : શ્રીલંકા સામે વનડે સિરીઝ રમવાની પહેલા ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ નેટ પર જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યા છે. બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા (બીસીસીઆઈ) એ ટીમ ઇન્ડિયાના પ્રેક્ટિસ સેશનનો વીડિયો તેના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી રજૂ કર્યો છે. આ દરમિયાન ટીમના કોચ રાહુલ દ્રવિડ પણ ખેલાડીઓને રમતની સૂક્ષ્મતા સમજાવતા જોવા મળે છે.
ઉલ્લેખનીય છે કે, શ્રીલંકાના બેટિંગ કોચ ગ્રાન્ટ ફ્લાવર અને ડેટા એનાલિસ્ટ જીટી નિરોશનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ શ્રેણીના સમયપત્રકમાં ફેરફાર કરવામાં આવ્યો છે. નવા શિડ્યુલ મુજબ ભારત અને શ્રીલંકા વચ્ચે 18 જુલાઈથી 23 જુલાઇ સુધી વન-ડે સિરીઝનું આયોજન કરવામાં આવશે. આ પછી, ટી 20 સીરીઝની પહેલી મેચ 25 જુલાઈ, બીજી મેચ 27 જુલાઈ અને ત્રીજી મેચ 29 જુલાઈએ રમાશે.
કોચ દ્રવિડ બેટ્સમેનની તકનીક પર કામ કરતા જોવા મળ્યા
પ્રેક્ટિસ દરમિયાન ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ પણ બેટિંગની તકનીક વિશે સમજાવતા જોવા મળ્યા હતા. આ સાથે તેણે ખેલાડીઓને આકર્ષક પ્રેક્ટિસ પણ કરાવી હતી. બીસીસીઆઈએ આ વીડિયોની સાથેના તેના કેપ્શનમાં લખ્યું છે, “બેટિંગ, બોલિંગ, ફિલ્ડિંગની તૈયારી અને વધુ તૈયારી ચાલી રહી છે. ટીમ ઈન્ડિયા આગામી શ્રીલંકા શ્રેણી માટે તૈયાર છે.”
ટીમ ઈન્ડિયાની પ્રેક્ટિસના આ વીડિયોમાં પહેલા મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, પૃથ્વી શો, સૂર્યકુમાર યાદવ અને દેવદત્ત પદિકકલ બેટિંગની પ્રેક્ટિસ કરતા જોવા મળી રહ્યા છે. આ સાથે ટીમના કેપ્ટન શિખર ધવન અને ઇશાન કિશન પણ ઝડપી શોટ રમતા જોવા મળે છે. આ પછી, બોલિંગમાં ઉપ-કપ્તાન ભુવનેશ્વર કુમાર, દિપક ચહર, યુઝવેન્દ્ર ચહલ અને ચેતન સાકરીયા પ્રેક્ટિસમાં પુષ્કળ પરસેવો પાડતા જોવા મળે છે.