IND vs ZIM: સિરીઝની પાંચમી મેચમાં ભારતે ઝિમ્બાબ્વેને 168 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ મેચમાં સંજુ સેમસને 58 રનની અડધી સદીની ઇનિંગ રમી હતી.
ભારતે ઝિમ્બાબ્વે સામે પાંચમી T20 મેચમાં 167 રન બનાવ્યા છે. ભારતીય ઇનિંગ્સની શરૂઆત સારી રહી ન હતી, પરંતુ વિકેટકીપર બેટ્સમેન સંજુ સેમસને 45 બોલમાં 58 રનની મહત્વની ઇનિંગ રમી હતી અને ભારતના સ્કોરને 160થી આગળ લઇ જવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. મધ્ય ઓવરોમાં આવતા, રિયાન પરાગે 22 રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ અને અભિષેક શર્મા સહિતના અન્ય બેટ્સમેનોએ પણ સારી શરૂઆત કરી હતી, પરંતુ કોઈ મોટી ઇનિંગ રમી શક્યું ન હતું.
શ્રેણીની છેલ્લી મેચમાં ઝિમ્બાબ્વેએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું.
સિકંદર રઝાએ પોતાની પહેલી જ ઓવરમાં ભારતીય છાવણીમાં અરાજકતા સર્જી દીધી હતી. પ્રથમ ઓવરમાં, જયસ્વાલે નો-બોલ અને પછી ફ્રી હિટ પર સિક્સર ફટકારી હતી, પરંતુ માત્ર 2 બોલ પછી ક્લીન બોલ્ડ થયો હતો. જયસ્વાલે 5 બોલમાં 12 રન બનાવ્યા હતા. તેના પછી અભિષેક શર્મા અને શુભમન ગીલે પણ શરૂઆત કરી. જેના કારણે 5 ઓવરમાં જ ભારતે ટોપ ઓર્ડરના ત્રણેય બેટ્સમેનોની વિકેટ માત્ર 40 રનમાં ગુમાવી દીધી હતી.
સેમસન અને પરાગે કમાન સંભાળી
ટીમ ઈન્ડિયાએ 40 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી અને ઈનિંગ સમાપ્ત થવામાં હજુ 15 ઓવર બાકી હતી. આવી સ્થિતિમાં સંજુ સેમસન અને રિયાન પરાગે કમાન સંભાળી અને ટીમના સ્કોરને 100થી આગળ લઈ ગયા. ભારત માટે સૌથી મોટી ભાગીદારી સંજુ સેમસન અને રેયાન પરાગ વચ્ચે હતી, જેમણે મળીને 66 રન જોડ્યા હતા. એક તરફ સેમસને 45 બોલમાં 58 રનની ઈનિંગ દરમિયાન 1 ફોર અને 4 સિક્સર ફટકારી હતી. બીજી તરફ પરાગે 24 બોલમાં 22 રનનું યોગદાન આપ્યું હતું.
છેલ્લી 5 ઓવરમાં 54 રન આવ્યા હતા
15 ઓવરના અંતે ભારતનો સ્કોર ચાર વિકેટે 113 રન હતો. આગામી 3 ઓવરમાં કુલ 24 રન આવ્યા અને તે દરમિયાન 18મી ઓવરમાં સેમસન 58 રન બનાવીને આઉટ થયો. ધીમી રન રેટના કારણે એક સમયે એવું લાગી રહ્યું હતું કે ટીમ ઈન્ડિયા 150 રનનો સ્કોર પણ હાંસલ કરી શકશે નહીં. પરંતુ 19મી ઓવરમાં શિવમ દુબેએ 2 સિક્સ અને 1 ફોર ફટકારીને કુલ 19 રન બનાવ્યા હતા. છેલ્લી 2 ઓવરમાં શિવમ દુબેએ 12 બોલમાં 26 રન અને રિંકુ સિંહે 9 બોલમાં 15 રનની કેમિયો ઇનિંગ રમીને ટીમનો સ્કોર 167 રન સુધી પહોંચાડ્યો હતો.